Rajkot doctor insurance fraud case : રાજકોટમાં તબીબે બનાવટી રિપોર્ટ રજૂ કરી ચોંકાવનારો ગુનો કર્યો
Rajkot doctor insurance fraud case : રાજકોટમાં તબીબી જગતમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ફિઝિયોથેરાપિસ્ટ તબીબ અંકિત કાથરાણી વિરુદ્ધ પોતાનાં હોમ લોન ભરપાઈથી બચવા માટે વીમાની પોલિસીનો દુરુપયોગ કરવાનો ગુનો નોંધાયો છે. તબીબે બનાવટી MRI રિપોર્ટ અને મેડિકલ કાગળો રજૂ કરી મોટી રકમ મેળવી લીધી હતી.
બનાવટી MRI રિપોર્ટ બનાવી એચડીએફસી એર્ગો પાસેથી મેળવ્યા 22 લાખથી વધુ રૂપિયા..એચડીએફસી એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રમુખ ડૉ. શ્રીનિવાસ દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે અંકિત કાથરાણીએ વર્ષ 2022માં ઇન્સ્યોરન્સ પોલિસી મેળવી અને ત્યારબાદ રાધે હોસ્પિટલના ડૉ. વિપુલ બોડાના નામે ખોટા મેડિકલ કાગળો રજૂ કર્યા હતા.
કથિત MRI રિપોર્ટ બનાવી તબીબે એચડીએફસી એર્ગોમાં દાવો નોંધાવ્યો હતો, જેને ધ્યાને લઈ કંપનીએ તેમના હોમ લોન ખાતામાં લગભગ 21.74 લાખ રૂપિયા અને બેંક ખાતામાં 75,500 રૂપિયા જમા કરાવ્યા હતા.
ICICI લોમ્બાર્ડમાં પણ કરવાનું હતું એજ કામ
એપ્રિલ 2025માં એચડીએફસી એર્ગો કંપનીને જાણવા મળ્યું કે અંકિત કાથરાણી તથા તેમના સાથીઓ ICICI લોમ્બાર્ડમાં પણ એ જ પ્રકારનો મેડીક્લેમ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ એચડીએફસી એર્ગો દ્વારા તબીબના દાવાની તપાસ કરતા ખુલ્યું કે MRI રિપોર્ટ બનાવટી હતો.
રાધે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી
રાધે હોસ્પિટલના તબીબ વિપુલ બોડાએ જણાવ્યું કે અંકિત કાથરાણીએ ત્રણ વર્ષ પહેલા હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી કરાવી હતી. એ સમયે તેમણે MRI માટે સિવિલ હોસ્પિટલમાં આવેલી સહયોગ ઇમેજિંગ સેન્ટરની રિપોર્ટ રજૂ કરી હતી. એ સમયે તેઓ માત્ર એક દિવસ માટે દાખલ થયા હતા.
અગાઉ પણ જેલમાં બંધ
તબીબ અંકિત કાથરાણી સામે અગાઉ પણ બનાવટી દસ્તાવેજો દ્વારા છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને હાલ તેઓ જેલમાં બંધ છે. ગાંધીગ્રામ પોલીસ તબીબને જેલમાંથી કબજામાં લઈ વધુ પૂછપરછ કરશે.