Rajkot : મહાકુંભમાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો: રાજકોટ PGVCLના કોન્ટ્રેક્ટરનું શ્વાસ ચડતાં અચાનક મોત
અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને તાત્કાલિક રાયબરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
સારવાર દરમિયાન તેઓનું કરુણ અવસાન થયું
કિરીટસિંહ રાઠોડના અચાનક મોતથી પરિવાર પર શોકમાં ગરકાવ
રાજકોટ, શનિવાર
Rajkot : મહાકુંભમાં ગુજરાતના એક વધુ યાત્રિકનું દુઃખદ અવસાન થયું છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં નિવાસ કરતા PGVCL કોન્ટ્રેક્ટર કિરીટસિંહ રણજિતસિંહ રાઠોડ (ઉમર 53) પોતાની પત્ની અને એક મિત્ર દંપતી સાથે મહાકુંભની યાત્રાએ ગયા હતા. ત્યાં અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને તાત્કાલિક રાયબરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેઓનું કરુણ અવસાન થયું. મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંતિમ સંસ્કારમાં PGVCLના સહકર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા. પરિવારના મોભીના અચાનક અવસાનથી ઘરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મહાકુંભમાં અચાનક શ્વાસની તકલીફ બાદ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના બજરંગવાડી મેઇન રોડ પર પ્રતીક ટેનામેન્ટમાં રહેતા કિરીટસિંહ રાઠોડ, PGVCLમાં કોન્ટ્રેક્ટ ચલાવતા હતા. તેઓ પત્ની લતાબેન, મિત્ર લક્ષ્મણગિરિ ગોસાઈ (PGVCLના નિવૃત્ત કર્મચારી) અને તેમની પત્ની શોભનાબેન સાથે મહાકુંભની યાત્રાએ ગયા હતા. 30 જાન્યુઆરીની વહેલી સવારે કિરીટસિંહને અચાનક ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા. તાત્કાલિક તબીબી સહાય મેળવવા માટે તેમને નજીકના હોસ્પિટલ યુનિટમાં લઇ જવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે રાયબરેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સાધુ-સંતોની સેવા બાદ તબિયત લથડી
મહાકુંભ દરમિયાન કિરીટસિંહ રાઠોડએ સાધુ-સંતોને જમાડવા માટે રસોઈ બનાવવા સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સ્નાન કર્યા બાદ 30 જાન્યુઆરીના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ. અંતે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું, જેનાથી પરિવાર અને સહકર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ.
મૃતદેહ રાજકોટ લાવવામાં આવ્યો, અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં હાજરી
મૃતક કિરીટસિંહ રાઠોડના અંતિમ સંસ્કારમાં PGVCLના સહકર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા. તેમની પત્ની અને પુત્રી ભાવિનીબેન, જે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, શોકમાં ગરકાવ થઈ ગયા. કિરીટસિંહ રાઠોડ 24 જાન્યુઆરીએ અમદાવાદથી પ્લેન દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા અને 5 ફેબ્રુઆરીએ પરત ફરવાનું આયોજન કર્યું હતું, પણ વિધાનવીધીને કંઈક બીજું જ મંજૂર હતું. આ દુઃખદ ઘટનાએ તેમના પરિવારને હચમચાવી દીધા છે.