RBI cancels cooperative bank license : અમદાવાદીઓને મોટો ઝટકો : RBIએ રદ કર્યું કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંકનું લાઇસન્સ
RBI cancels cooperative bank license : ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંક પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે આ બેંકનું લાઇસન્સ રદ કરવાની ઘોષણા કરી છે. લાઇસન્સ રદ કરવાનું મુખ્ય કારણ એ છે કે બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેનો ધંધો ચાલું રાખવા માટે કોઈ નફાકારક સંભાવના હતી.
RBI દ્વારા જણાવાયું છે કે કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળના અનેક મહત્વના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. જેને પગલે ગ્રાહકોના હિતમાં લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ સાથે જ ગુજરાતના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ આ બેંકને બંધ કરવા અને લિક્વિડેટર નિમણૂક કરવા માટે વિનંતી કરાઈ છે.
ગ્રાહકોના થાપણ માટે જાણો શું છે વ્યવસ્થા
લાઇસન્સ રદ થયા બાદ ગ્રાહકો માટે રાહતના સમાચાર પણ છે. RBIના જણાવ્યા મુજબ, બેંક લિક્વિડેશન હેઠળ જશે અને તેના થાપણદારોને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી ₹5 લાખ સુધીનો વીમો મળશે.
અંકડાઓ પ્રમાણે, લગભગ 98.51% ગ્રાહકોને તેમની સંપૂર્ણ થાપણ રકમ મળી રહેશે. 31 માર્ચ, 2024 સુધીમાં DICGCએ ગ્રાહકોને રૂ. 13.94 કરોડ ચૂકવી દીધા છે.
16 એપ્રિલથી બંધ થશે તમામ બેંકિંગ સેવાઓ
રિઝર્વ બેંકે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંકની હાલની નાણાકીય સ્થિતિ એવી નથી કે તે ગ્રાહકોને સંપૂર્ણ ચુકવણી કરી શકે. આવી સ્થિતિમાં જો બેંક ચાલુ રહેશે તો તે ગ્રાહકોના હિતમાં નહીં ગણાય.
આ માટે 16 એપ્રિલ 2025ના રોજ સાંજે બેંકે તમામ પ્રકારની બેંકિંગ સેવાઓ બંધ કરી દીધી છે. તેમાં રોકડ જમા, ખાતાની ચુકવણી, થાપણ સેવા સહિતની તમામ પ્રવૃત્તિઓનો અંત આવ્યો છે.