RTI applies to private universities in Gujarat : ખાનગી યુનિવર્સિટીઓ માટે RTI કાયદો લાગુ પડે
RTI applies to private universities in Gujarat : ગુજરાત રાજ્ય માહિતી આયોગે તાજેતરમાં એક મહત્વનો હુકમ આપ્યો છે, જેમાં જણાવ્યું છે કે ખાનગી યુનિવર્સિટીઓ પણ RTI (માહિતીનો અધિકાર) કાયદાના દાયરામાં આવે છે. હવે ખાનગી યુનિવર્સિટીઓને પણ અરજદાર દ્વારા માંગેલી માહિતી RTI હેઠળ પૂરી પાડવી પડશે.
રાજ્ય સરકારને જરૂરી આદેશ આપવા ભલામણ
આયોગે રાજ્ય સરકારના વહિવટીતંત્રને ભલામણ કરી છે કે ખાનગી યુનિવર્સિટીઓ પર RTI લાગુ કરાવવા માટે જરૂરી આદેશો જાહેર કરવામાં આવે. 2005ના RTI કાયદાની જોગવાઈઓ અનુસાર, સરકારી કાયદાથી રચાયેલી ખાનગી યુનિવર્સિટીઓ પણ જાહેર સત્તામંડળમાં આવે છે.
કાયદાની વ્યાખ્યામાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ
ગુજરાત માહિતી આયોગે જણાવ્યું કે યુજીસી દ્વારા અગાઉ પણ યુનિવર્સિટીઓ-કોલેજોને RTI કાયદાની જોગવાઈઓનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ-2009 અનુસાર, રાજ્ય વિધાનમંડળ દ્વારા બનાવાયેલા કાયદાથી આવેલી ખાનગી યુનિવર્સિટીઓ જાહેર સત્તામંડળ તરીકે ગણાય છે.
હાઈકોર્ટના ચુકાદાને આધિન રહેશે અમલ
હાલમાં, આયોગે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા એક કેસના ચુકાદાને આધિન આ અમલ રહેશે. 2021માં ખાનગી યુનિવર્સિટીએ આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને 4 ઓગસ્ટ 2025 સુધી મનાઈ હુકમ જારી છે. તેમ છતાં, ત્યાં સુધી ખાનગી યુનિવર્સિટીઓને અરજદારોને જરૂરી માહિતી આપવાનું રહેશે.
શિક્ષણ વિભાગના અધિકારીઓ માટે ખાસ સૂચના
માહિતી આયોગે એ પણ નિર્દેશ આપ્યો છે કે આ હુકમની નકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુધી પહોંચાડવામાં આવે, જેથી તમામ ખાનગી યુનિવર્સિટીઓને જરૂરી આદેશ આપવામાં આવે.