S. Jaishankar Narmada Visit: વિદેશમંત્રી એસ. જયશંકરની નર્મદા મુલાકાત: દત્તક ગામો માટે રૂ.11.66 કરોડના વિકાસકામોની ભેટ
S. Jaishankar Narmada Visit: ભારત સરકારના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાના દત્તક લીધેલા ગામોની બે દિવસીય મુલાકાત કરી, કુલ રૂ.11.66 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે વ્યાધર, આમદલા, જેતપુર અને અગર જેવા ગામોમાં આરોગ્ય, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.
રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયમાં MPLADS યોજનાના 2.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા જિમ્નેશિયમ હોલ અને આધુનિક સાધનોનું લોકાર્પણ કરી ખેલાડીઓની કામગીરી જોઈ ખુશી વ્યક્ત કરી. લાછરસ ગામે સ્માર્ટ આંગણવાડી અને રૂ.4.96 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમની પણ મુલાકાત લીધી.
વિદેશમંત્રીએ બાળઉછેર અને પોષણ અભિયાન અંતર્ગત 6 મહિનાના બાળકને અન્નપ્રાશન કરાવ્યું અને માતાને શુભકામનાઓ પાઠવી. તેઓએ રામજી મંદિરમાં પૂજા-અર્ચના કરી તેમજ અમૃત સરોવરની પણ મુલાકાત લીધી.
બીજા દિવસે તેમણે રાજપીપળા પોસ્ટ ઓફિસ ખાતેના પાસપોર્ટ સેવાકેન્દ્ર અને આધાર કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું. સાથે ખડગદા નજીકના ટ્રાયબલ મ્યુઝિયમ, એકતાનગરના મિયાંવાકી ફોરેસ્ટ, Tata ગ્રુપના હોટલ અને સ્માર્ટ બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોની મુલાકાત લીધી.
ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, “હું રાજ્યસભાના સાંસદ તરીકે છેલ્લા 6 વર્ષથી નર્મદા જિલ્લાના લોકોની સમસ્યાઓ સાંભળીને તેના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છું. લોકભાગીદારીથી ગામોનો વિકાસ થાય એ મારી પ્રાથમિકતા છે.”