Sabarmati River Pollution Issue : સાબરમતી નદીમાં ટ્રીટેડ પાણી પ્રદૂષિત! JTF રિપોર્ટમાં ઉંચા TDS અને રંગનો ખુલાસો
સાબરમતી નદીમાં ટ્રીટેડ પાણી છોડાતા TDSનું પ્રમાણ ઊંચું અને કલર બદલાયેલું હોવાનું જાયન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ખુલાસો
હાઈકોર્ટે ટાસ્ક ફોર્સને દર ત્રણ મહિને ચકાસણી રિપોર્ટ રજૂ કરવા અને નદી પ્રદૂષણ રોકવા તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો
અમદાવાદ, શનિવાર
Sabarmati River Pollution Issue : હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ વૈભવી નાણાવટીની બેંચ સમક્ષ સાબરમતી નદી પ્રદૂષણની સુઓમોટો અરજીની સુનવણી હાથ ધરાઈ. સુનવણી દરમિયાન કોર્ટ મિત્રે જોયન્ટ ટાસ્ક ફોર્સનો 12મો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં ખુલાસો થયો કે CTP (સેન્ટ્રલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માંથી નદીમાં છોડાતા ટ્રીટેડ પાણીમાં TDSનું પ્રમાણ ઊંચું છે અને પાણીમાં કલર પણ છે. આ પ્રદૂષિત પાણી મેગા પાઈપલાઇન મારફતે સાબરમતી નદીમાં મળી જાય છે, જે વધુ પ્રદૂષણ ફેલાવશે.
ટાસ્ક ફોર્સને દર ત્રણ મહિને રિપોર્ટ આપવા હુકમ
હાઈકોર્ટે ટાસ્ક ફોર્સને દર ત્રણ મહિને ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો. GPCB દ્વારા દર મહિને ચકાસણી કરવામાં આવે છે, પણ હવે નદીના પ્રદૂષણને રોકવા માટે વધુ સજાગતા જરૂરી છે. આ મામલે હાઈકોર્ટે આગામી સુનવણી માર્ચમાં યોજાશે.
ખેતી અને આરોગ્ય પર ગંભીર અસર
CTPમાંથી બહાર આવતા પાણીમાં TDSનું પ્રમાણ વધુ હોવાથી અને રંગ બદલાતા પ્રદૂષણ વધી રહ્યું છે, જેના કારણે આ પાણી ખેતી માટે ઉપયોગી નથી અને નાગરિકોના આરોગ્ય પર પણ ખતરો ઉભો થાય છે. હાઈકોર્ટે સવાલ કર્યો કે આ પ્રદૂષણને અટકાવવાનો જવાબદાર કોણ? કુદરતી સ્ત્રોતોમાં જે પાણી છોડવામાં આવે, તે સંપૂર્ણપણે શુદ્ધ હોવું જોઈએ, નહીંતર નદીના પાણીની ગુણવત્તા નબળી પડશે.
તાત્કાલિક પગલાં લેવાની હાઈકોર્ટની તાકીદ
હાઈકોર્ટે તાકીદ કરી કે સાબરમતી નદીમાં વધુ TDSયુક્ત પાણી જવાનું રોકવા માટે તંત્રે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કુદરતી પાણીના સ્ત્રોતોને પ્રદૂષણમુક્ત રાખવા માટે આ ઘટનાને ગંભીરતાથી લેવા તંત્રને સુચના આપવામાં આવી છે.