સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી જ નહીં પણ સૌથી ઝડપથી બનેલી પ્રતિમા પણ છે. સ્ટેચ્યુનું નિર્માણ કરનાર એલએન્ડટી કંપનીના સીઇઓ અને એમડી એસએન સુબ્રમણ્યમે વિશેષ મુલાકાતમાં સ્ટેચ્યુના નિર્માણમાં આવેલા પડકારો વિશે વાત કરી હતી.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણનો વિચાર કેવી રીતે આવ્યો?
સુબ્રમણ્યમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે મહાન સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલનું અદ્વિતીય સ્મારક બનાવવામાં આવે. સરદાર પટેલને આધુનિક ભારતના ઘડવૈયા પણ માનવામાં આવે છે, જેમણે સ્વતંત્રતા બાદ અખંડ ભારતનું નિર્માણ કર્યું. કેવડિયા ખાતે સાધુ બેટ પર 182 મીટર (597 ફૂટ) ઊંચી સરદાર પટેલની પ્રતિમા એ વડાપ્રધાન મોદીનું સાકાર થયેલું સ્વપ્ન છે. માત્ર 33 મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણકાર્ય પૂર્ણ કરવાનો એલએન્ડટીને આનંદ છે.
વિશ્વના આ પ્રકારના અન્ય સ્ટેચ્યૂની તુલનામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી કેવી રીતે અલગ પડે છે?
સુબ્રમણ્યમ: વર્તમાન સમયના મોટાભાગના ઊંચા બાંધકામ ચીન-જાપાનમાં થયા છે. ચીનના સ્પ્રિંગ ટેમ્પલ ઑફ બુદ્ધા (153 મીટર), મ્યાનમારના સ્ટેચ્યૂ ઑફ લેક્યુન સેતક્યાર (116 મીટર), જાપાનના સ્ટેચ્યુ ઑફ ઉશીકુ દાઇબુત્સુ (110 મીટર)નું નિર્માણકાર્ય 10 વર્ષ કરતા વધારે સમય ચાલ્યું હતું. ભારતમાં L&Tએ રેકોર્ડબ્રેક સમયમાં પૂરું કર્યું.
સમયમાં વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુનું નિર્માણ કર્યું છે.
સુબ્રમણ્યમ: સ્ટેચ્યુ ઑફ યુનિટી 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન તથા 6.5 રીચર સ્કેલના ભૂંકપને સહન કરવા સક્ષમ છે. તમામ પ્રકારની કુદરતી આફતો સામે સ્ટેચ્યુ અડગ રહી શકે એમ છે. સ્ટેચ્યુનું નિર્માણ એન્જિનિયરિંગની મહાન સિદ્ધિ છે. તથા તેમાં કળા અને ટેકનોલોજીનો પણ અદભૂત સમન્વય થયેલો છે.
આટલા ટૂંકા સમયમાં કેવી રીતે સ્ટેચ્યુનું નિર્માણ થયું?
સુબ્રમણ્યમ: એલએન્ડટીના કન્સ્ટ્રક્શન વિભાગે ડિસેમ્બર 2015માં સ્ટેચ્યુના નિર્માણનું કાર્ય શરૂ કર્યું હતું. એક જીવંત વ્યક્તિની કળાત્મક પ્રતિમાના નિર્માણનો પડકાર હતો. વિશ્વની આ પ્રકારની અન્ય વિશાળ પ્રતિમાઓ પૌરાણિક કે ઐતિહાસિક હસ્તીઓની છે. જ્યારે આ પ્રતિમા એવી હસ્તીની છે જેમને અનેક લોકો નિહાળી ચૂક્યા છે. એલએન્ડટીના એન્જિનિયર્સ અને ડિઝાઇનર્સે આ પડકાર ઝીલ્યો. સ્ટેચ્યુની પોઝીશન એવી છે કે બન્ને પગ યોગ્ય રીતે અલાઇન્ડ નથી. તેથી પ્રતિમા જરાક ઝૂકેલી લાગે. જ્યાં સ્ટેચ્યુ બનાવવાનું હતું એ સાધુ બેટની જમીન સપાટ નહોતી. એટલું જ નહીં ત્યાં સુધી નિર્માણ સામગ્રી પહોંચાડવી એ પણ પડકાર હતો. આ તમામ પડકારો છતાં એલએન્ડટીની ટીમે ડિઝાઇન, પ્રોજેક્ટ પ્લાનિંગ, લોજીસ્ટીક, ખર્ચ નિયંત્રણ જેવી તમામ કામગીરી અસરકારક રીતે નિભાવી. સાથે જ નિર્માણમાં લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જીંગ, બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલીંગ, થ્રીડી ડિઝાઇનીંગ તથા રેડિયો ફ્રિકવન્સી આઇડી જેવા ડીજીટલ ટૂલ્સનો પણ ઉપયોગ કરાયો. તેની મદદથી ડિઝાઇનર્સ અને એન્જિનિયર્સ સારી રીતે વિઝ્યુલાઇઝ કરી શક્યા તથા તમામ ડિટેલીંગ સાથે માત્ર 33 મહિનામાં નિર્માણ શક્ય બન્યું. દર વરસે ચોમાસા દરમ્યાન 30-40 દિવસ ડેમ ઓવરફ્લો રહેતો હતો જેના લીધે સાધુ બેટ જમીન વિસ્તારથી કપાઈ જતો હતો. આ સમયગાળા દરમ્યાન પણ કામગીરી ચાલુ રહે એ માટે અમે સ્ટીલનો બ્રીજ બનાવ્યો હતો. સાથે જ સ્ટેચ્યુના નિર્માણમાં કુલ 6,500 માઇક્રો પેનલ્સ લગાવાઈ છે. દરેક પેનલ યુનિક સાઇઝ અને આકાર ધરાવે છે. દરેક પેનલની માહિતી મળે એ માટે તેમાં રેડિયો ફ્રિકવન્સી આઇડી લગાવાયા છે. જેથી દરેક પેનલને લગતા તમામ દસ્તાવેજ, માહિતી મળી રહે.
શું ગિનેસ બુક કે અન્ય કોઈ સંસ્થા દ્વારા સ્ટેચ્યુના નિર્માણને માન્યતા મળી છે?
સુબ્રમણ્યમ: યુકે સ્થિત ઇન્સ્ટીટ્યુશન ઑફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટીને 2019ના ધ સ્ટ્રક્ચરલ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું. અમેરિકા સ્થિત એન્જિનિયરિંગ ન્યૂઝ રેકોર્ડ્સ દ્વારા સ્ટેચ્યુને 2019નો ગ્લોબલ બેસ્ટ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો છે. અમેરિકન કૉન્ક્રીટ ઇન્સ્ટીટ્યુટે પણ સ્ટેચ્યુને દ્વિતિય શ્રેષ્ઠ હાઇ રાઇઝ એવોર્ડ આપ્યો હતો.
સ્ટેચ્યુને એક વર્ષ પૂર્ણ થયું છે. કોઈ રસપ્રદ પ્રસંગ તમે શૅર કરશો?
સુબ્રમણ્યમ: અદ્વિ્તિય સ્ટેચ્યુના નિર્માણની સફરમાં કોઈ એક કે બે પ્રસંગ જણાવવો મુશ્કેલ છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ અદભૂત સ્ટેચ્યુનું લોકાર્પણ અમારા માટે અત્યંત વિશેષ ક્ષણ હતી. ખાસ કરીને એમના માટે જેઓ 33 મહિનાથી નિર્માણકાર્ય સાથે સંકળાયેલા હતા. ભારત તથા વિદેશના પ્રવાસીઓ માટે આ લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું છે એ બદલ પણ અમને ગર્વ છે.