Saurashtra University Inter College Competition : 2025-26ની સ્પર્ધામાં 52 રમતગમત પ્રવૃતિઓનું આયોજન
Saurashtra University Inter College Competition : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ રમતગમત સ્પર્ધા વર્ષ 2025-26 માટે વધુ રોમાંચક બનવાની તૈયારીમાં છે. આ વખતે કુલ 52 વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. ખાસ વાત એ છે કે, કરાટે અને ફેન્સિંગ (તલવારબાજી) જેવા આત્મસુરક્ષા આધારિત રમતગમત પ્રવૃત્તિઓને પ્રથમ વખત સ્પર્ધામાં સ્થાન આપવામાં આવ્યું છે.
આત્મસુરક્ષા પર ભાર, વિદ્યાર્થીઓની માંગથી નવી રમતનો ઉમેરો
વિદ્યાર્થીઓ અને શારીરિક શિક્ષણના વ્યાખ્યાતાઓ તરફથી કરાટે અને તલવારબાજી જેવી રમતોને લઈને માંગ ઉઠી રહી હતી. જેથી યુનિવર્સિટીના ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરેશ રાબાના જણાવ્યા મુજબ આ નવી રમતો ટ્રાયલ આધાર પર રજૂ કરવામાં આવી રહી છે. આત્મસુરક્ષાને પ્રમોટ કરવા માટે યુનિવર્સિટીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 3000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
આ સ્પર્ધામાં રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓની યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોથી અંદાજે 3000થી વધુ વિદ્યાર્થી ખેલાડીઓ ભાગ લેશે. દરેક વર્ષે આંતર કોલેજ રમતોમાં ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓ વેસ્ટ ઝોન, ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી અને ખેલો ઈન્ડિયા જેવી રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં પહોંચી શકતા હોય છે.
હેન્ડબોલમાં અગાઉના વર્ષના ચેમ્પિયન, હવે વધુ પડકારો માટે તૈયાર
ગત વર્ષે વેસ્ટ ઝોન હેન્ડબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ચેમ્પિયનશિપ જીતી હતી. સાથે જ 35થી વધુ ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું હતું. આવતી સ્પર્ધાઓ માટે રજીસ્ટ્રેશન અને સહમતિ પત્રો 11 જુલાઈ 2025 સુધીમાં મોકલવાની વિધિવત સૂચના આપવામાં આવી છે.
હવે આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સાહસ અને આત્મસુરક્ષા જેવા મહત્વપૂર્ણ ગુણોમાં પણ વિકાસ કરવાની તક મળશે. કરાટે અને તલવારબાજી જેવી રમતોનો ઉમેરો યુનિવર્સિટીના રમતગમત માટે માઈલસ્ટોન સાબિત થશે.