Sayaji Hospital Class 4 Workers Strike: પગારના આશ્વાસન બાદ કર્મચારીઓ ફરજ પર પરત ફર્યા, આગામી બે દિવસ મહત્ત્વના રહેશે
Sayaji Hospital Class 4 Workers Strike: વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ – સયાજી હોસ્પિટલમાં આજે (15 મે, 2025) વર્ગ-4 ના કર્મચારીઓએ પગાર મળતો ન હોવાથી હડતાળ જાહેર કરી હતી. લગભગ 600 જેટલા સફાઇ કર્મચારીઓએ આરએમઓ ઓફિસ સામે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો અને પગાર સંબંધિત પડતર મુદ્દાઓ ઉકેલવાની માંગ કરી.
રજત એન્ટરપ્રાઈઝ દ્વારા નિયુક્ત કર્મચારીઓમાં અસંતોષ
હોસ્પિટલમાં ફરજ બજાવનારા વર્ગ-4ના કર્મચારીઓ રજત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સી દ્વારા હંગામી ધોરણે ભરતી કરાયા છે. છેલ્લા બે મહિના જેટલા સમયથી પગાર ચૂકવણી સમયસર ન થતાં કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. એમનો આરોપ છે કે પગાર વારંવાર મોડું થાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ આવતો નથી.
આરએમઓએ બે દિવસમાં પગાર ચૂકવવાનો આશ્વાસન આપ્યો
આંદોલન દરમિયાન આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે હસ્તક્ષેપ કરતા કહ્યું કે વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ કારણે પગાર મોડો થયો છે. જો જરૂરી લાગશે તો ખાનગી એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. આથી તેમણે બે દિવસની અંદર પગાર ચૂકવવાની ખાતરી આપતા વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ મુકી ફરી ફરજ પર પરત ફર્યા.
“પગાર નહીં મળે તો ફરી આંદોલન કરશું”: કર્મચારીઓની ચિમકી
આ વિરોધમાં જોડાયેલા કર્મચારી પ્રકાશ સોલંકીએ જણાવ્યું કે, “અમે નોકરી પર હોવા છતાં પગારથી વંચિત છીએ. વારંવાર મોડું થવું હવે સહનશક્તિ બહાર છે. જો બે દિવસમાં પગાર મળ્યો નહીં તો અમે ફરીથી ગાંધી ચિંધેલા માર્ગે આંદોલન શરૂ કરીશું.”
આરએમઓનું નિવેદન
આ બાબતે આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, “સફાઇ કર્મચારીઓના હિત માટે અમે તમામ જરૂરી પગલાં લઈશું. પગાર વિલંબ અંગે સંબંધિત એજન્સીને સત્તાવાર સૂચના આપી છે અને જો જરૂરી હશે તો કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે.”