ડિંડોરીની સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ પર આચરવામાં આવતા ત્રાસના સમાચાર રોજ મળે છે. હાલમાં મેહદવાનીના છાત્રાલયમાં બેકાળજીના કારણે વિદ્યાર્થીના થયેલા મોત પછી લુઢરા ગામની પ્રાથમિક શાળામાં બનેલી એક અમાનવીય ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અહીંની પ્રાથમિક સ્કૂલમાં ભણતા પહેલા ધોરણના વિદ્યાર્થી પ્રિન્સ ઝારિયાએ ભોજન માગતા તેના પર મધ્યાહન ભોજન બનાવનાર રસોઇયાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે બાળકના ચહેરા પર ગરમ દાળ ફેંકી દીધી. પ્રિન્સના ચહેરા પર ગરમ દાળ ફેંકવામાં આવતા તેનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો હતો. જોકે મેનેજમેન્ટે મામલાને દબાવવા માટે બાળકને હોસ્પિટલ લઈ જવાને બદલે તેને ઘરે મોકલી દીધો હતો. લેટેસ્ટ માહિતી પ્રમાણે આરોપી રસાઇયા પર હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ મામલામાં ઘાયલ બાળકનો વાંક એટલો જ હતો કે તેણે ભોજન માગ્યું હતું. આ મામલામાં રસોઇયાએ પોતાના પર લાગેલા આરોપોને નિરાધાર ગણાવ્યા છે. પોલીસ આ મામલામાં તપાસ કરવાની વાત કરી રહી છે. આ ઘટના 23 જાન્યુઆરી બની હતી જેના પગલે બાળકને ઘરે મોકલી દેવામાં આ્વ્યું હતું. બાળકના પરિવારજનો તેને 24 તારીખે હોસ્પિટલ લઈ ગયા હતા. સ્કૂલના મેનેજમેન્ટની બેદરકારીનું પરિણઆમ બાળક અને તેના પરિવારજનો ભોગવી રહ્યા છે. આ ઘટના પછી પ્રિન્સ એટલો ડરી ગયો છે કે સ્કૂલ જવાના નામથી પણ ફફડે છે. આ મામલામાં જવાબદાર અધિકારીઓ પણ કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી