Science City new space gallery: સાયન્સ સિટીમાં નવી સ્પેસ ગેલેરી: હવે સૂર્ય-તારાઓ તમારી સામે જીવંત!
Science City new space gallery: વિજ્ઞાનપ્રેમીઓ અને અંતરિક્ષમાં રસ ધરાવનારાઓ માટે આનંદના સમાચાર છે. અમદાવાદ સ્થિત સાયન્સ સિટીમાં ‘એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નું ભવ્ય ઉદ્ઘાટન થયું છે, જે 15 મે 2025થી સર્વસામાન્ય માટે ખુલ્લી રહેશે. આ ગેલેરીના માધ્યમથી મુલાકાતીઓને બ્રહ્માંડના રહસ્યો, સૌરમંડળની રચના અને ખગોળવિજ્ઞાનના આધારભૂત સિદ્ધાંતો વિશે રસપ્રદ માહિતી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે.
અદ્યતન ગેલેરી – જ્ઞાન અને અનુભૂતિનું અનોખું મંચ
ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની દેખરેખ હેઠળ આવેલી આ ગેલેરી 12,797 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલ છે. તેનું કેન્દ્રબિંદુ ત્રણ માળ જેટલી ઊંચાઈ ધરાવતો વિશાળ સૂર્યગ્લોબ છે, જેના આસપાસ ગ્રહોની ગોઠવણી દર્શાવવામાં આવી છે. કુલ છ વિભાગોમાં વહેંચાયેલી આ ગેલેરીમાં ‘ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી’ વિભાગમાં 47 જેટલી ઇનફોરમેટિવ એક્ઝિબિટ્સ મુકાઈ છે જે એસ્ટ્રોનોમીના મૂળ તત્વો અને ઇતિહાસને સમજાવે છે.
અતિત, વર્તમાન અને ભવિષ્યની અંતરિક્ષયાત્રા
ગેલેરીના ‘પ્રેઝન્ટ ગેલેરી’ વિભાગમાં વર્તમાન અંતરિક્ષ મિશનો અને શોધોને 30 એક્ઝિબિટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે ‘ફ્યુચર ગેલેરી’માં ભવિષ્યના સંશોધન તરફ દોરી જતાં 24 વિવિધ એક્ઝિબિટ્સ છે. ભારતના અવકાશવિજ્ઞાનમાં થયેલ યોગદાન માટે એક ખાસ વિભાગ પણ ઊભો કરવામાં આવ્યો છે જેમાં 32 એક્ઝિબિટ્સ સામેલ છે. ‘સ્ટેલર ગેલેરી’માં તારાઓ અને તારામંડળોની માહિતી અને રચના દર્શાવવામાં આવી છે, જ્યારે ‘વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરી’માં અંતરિક્ષના વર્ચ્યુઅલ અનુભવ માટે 4 ખાસ ડિઝાઇન કરેલા એક્ઝિબિટ્સ છે.
વિઝ્યુઅલ તત્વો અને તકનિકી ઉપકરણોથી સમૃદ્ધ અનુભવ
આ ગેલેરીમાં અંદરના ભાગે 4 એટ્રિયમ આધારિત ઇન્સ્ટોલેશન અને બહારના ભાગે 6 આઉટડોર ઈન્સ્ટોલેશન પણ છે, જે મુલાકાતીઓને યુનિક અનુભવ આપે છે. 172 બેઠકો ધરાવતું ભારતનું સૌથી ઊંચું હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ અને 24 ઈંચ ટેલિસ્કોપ સાથેનું ઓબ્ઝર્વેટરી ડોમ પણ અહીં જોવા મળે છે. આ ઉપરાંત 6.5 મીટર વ્યાસ ધરાવતું વિશ્વનું સૌથી મોટું મિકેનિકલ ઓરરી પણ અહીં મુકાયું છે, જે ગ્રહોની ગતિ દર્શાવે છે.
વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન
ગેલેરીમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને 3D ફિલ્મ શોમાં પણ આયોજન કરાયું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધારએ આ ગેલેરી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “અક્વેરિયમ અને રોબોટિક ગેલેરી પછી આ ત્રીજી સૌથી મહત્વપૂર્ણ ગેલેરી છે, જે નવા અવકાશવિજ્ઞાનની વિશ્વને નજીકથી સમજાવશે.”