લૉકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકારે આર્થિક, સામાજિક જનજીવન ઝડપથી પૂર્વવત થાય એ માટે લૉકડાઉનમાં જે છૂટછાટો આપી છે તેમાં નાગરિકો સ્વયં શિસ્ત જાળવવીને પોતાના આરોગ્યની જાળવણી સાથે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સક્રિય સહયોગ આપે એવો અનુરોધ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે લૉકડાઉનના ચોથા ચરણમાં અપાયેલ છૂટછાટના આજના પ્રથમ દિવસે જ જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે તેની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે કોરોના આપણી સાથે જ છે તેમ સમજીને જાહેરમાં યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સસિંગ રાખી, માસ્ક પહેરી અને સારી ટેવો દ્વારા જનજીવનને વધુ ઝડપથી પૂર્વવત બનાવવું તે આપણા સૌની જવાબદારી છે.
તેમણે ઉમેર્યું કે, વ્યાપાર, આર્થિક ઔદ્યોગિક અને ખેતીવાડી પ્રવૃત્તિઓ રાજ્યમાં ફરી પૂર્વવત બનીને ગુજરાત ધમધમતું બને તે માટે જે છૂટછાટો આપી છે તેના નિયમોમાં પણ પ્રજાજનો ચુસ્ત અમલ કરીને સહયોગ આપે એ જરૂરી છે. એમણે ઉમેર્યું કે રાજ્યમાં ચાની દુકાનો, પાન-મસાલાની દુકાનો, સલૂન અને સ્પામાં પણ બિનજરૂરી ભીડ ભેગી ન થાય તેની પણ નાગરિકોએ સવિશેષ કાળજી લેવાની રહેશે. ચા અને પાનની દુકાનો પર યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટેની જવાબદારી દુકાનદાર અને નાગરિકો બંનેની છે.
જ રીતે સલુન અને સ્પા સેન્ટરોમાં પણ બિનજરૂરી લોકોની ભીડ ન થાય એ માટે નાગરિકોએ ફોન દ્વારા એપોઇન્ટમેન્ટ લઈને જવું જરૂરી છે જેથી સંક્રમણ પેદા થવાની સંભાવના જ ના રહે. આ માટે સૌ નાગરિકો સ્વયં શિસ્તનું પાલન કરશે તો સરકારે જે હિંમતભર્યા નિર્ણય જનજીવનને પૂર્વવત કરવા માટે કર્યો છે તે ચોક્કસ બર આવશે, એવો વિશ્વાસ અશ્વિનીકુમારે દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે પાન, સલૂન અને સ્પાની દુકાનો માટે જે છૂટછાટો આપવામાં આવી છે તેમાં જો નિયમોનુ પાલન નહીં જળવાય અને ભીડભાડ જોવા મળશે તો આ છૂટછાટોમાં સુધારો કરીને ફરીથી બંધ કરવા માટેની કાર્યવાહી કરવાની દિશામાં પણ સરકાર ચોક્કસ પગલાં લઇ શકે છે.
મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનવાળા વિસ્તારોમાં સવારે 8 થી બપોરના 3 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખવા માટેની જે છૂટછાટ આપી છે તેમાં માત્ર ને માત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ જ પ્રાપ્ત થશે. વધારાની કોઈ છૂટછાટ રહેશે નહીં. તે જ રીતે નોન કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારોમાં સવારના 8 થી સાંજના 4 કલાક દરમિયાન દુકાનો, ઓફિસો ઓડ-ઇવનની ફોર્મ્યુલાના આધારે ખુલ્લી રહેશે. દવાની દુકાનો, હેલ્થ કેર અને મેડીકેરની સવલતો આપતી દુકાનો 24 કલાક ખુલ્લી રહેશે.
અશ્વિનીકુમારે ઉમેર્યું કે, રાજ્યભરમાં સાંજના 7 થી સવારના 7 કલાક સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. જેનો ખુબ જ સખ્તાઇથી અમલ કરાશે. રાજ્યમાં તબક્કાવાર ઉદ્યોગ ધંધા શરૂ કરવાની જે છૂટછાટ આપવામાં આવી છે તે તમામ ધંધા-ઉદ્યોગોમાં કર્મચારીની તમામ શીફટ સાંજે 06:00 પૂર્ણ કરવાની રહેશે. જેથી કરીને કર્મચારીઓ સાંજના 7.00 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી શકે જેથી કરીને કરફ્યુ ભંગના કિસ્સાઓ બને નહીં એટલી તકેદારી તમામ ઉદ્યોગગૃહ રાખવાની રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું છે.