Shaktisinh Gohil: શક્તિસિંહ ગોહિલનો દાવો : ‘મુખ્ય સૂત્રધારને મળતું હતું રાજકીય સંરક્ષણ’
Shaktisinh Gohil: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક અભિયાનથી રાજકીય માહોલ ગરમાવેલો છે. અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરોના અટકાવવાના નામે AMC અને પોલીસ તંત્રે લગભગ 4000 મકાનો તોડ્યા, પરંતુ તપાસ પછી મોટાભાગના લોકો ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ પગલાને લઈને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે દાવો કર્યો કે ચંડોળાના ગેરકાયદેસર દબાણનો મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારી ચૂંટણીમાં ભાજપને સમર્થન આપતો હોવાથી તેને તંત્ર તરફથી સંરક્ષણ મળતું હતું. ગોહિલના જણાવ્યા અનુસાર 2021 અને 2023માં જ ત્યારે વિરોધ પક્ષના કોર્પોરેટરો તરફથી લખાયેલી રજૂઆતો છતાં તંત્રએ પગલાં લીધા નહોતાં.
તેઓએ કહ્યું, “આતંકી હુમલા પછી ગણતરીના કલાકોમાં જ 180 બાંગ્લાદેશી ઝડપાઈ જાય છે, તો એનો અર્થ છે કે તંત્રને પહેલેથી ખબર હતી કે કોણ ક્યાં રહે છે. પછી આટલા વર્ષોથી કાર્યવાહી કેમ ન થઈ?” ગોહિલે સરકારને આ બાબતે જવાબદાર ગણાવી અને પૂછ્યું કે ઘૂસણખોરો આટલાં બધા રાજ્યો પસાર કરીને અહીંયા સુધી કેવી રીતે આવી શકે?
કોંગ્રેસે તોડફોડની પ્રક્રિયા સામે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ધારાસભ્ય શૈલેષ પરમાર અને શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે જે મકાનો તોડવામાં આવ્યા તેમાં મોટાભાગના રહેવાસી ભારતીય નાગરિકો હતા. કેટલાક ઘરોમાં દલિતો, હિંદુઓ અને મુસ્લિમો – તમામ ધર્મના લોકો રહેતા હતા. તેમને ન તો નોટિસ અપાઈ, ન તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી.
શૈલેષ પરમારે પણ AMC સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને જણાવ્યું કે 2010ની AMC નીતિ અનુસાર આવા મકાનોના રહેવાસીઓને પુનર્વસન આપવું જોઈએ. તેમને ઉલ્લેખ કર્યો કે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટના મુદ્દે હાઈકોર્ટે પુનર્વસનનો હુકમ આપ્યો હતો, તો આ સમયે પણ ન્યાય મળવો જોઈએ.
શહેરમાં ગરમીના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. લોકોના પાણી અને લાઇટ જોડાણ તોડી નાખવામાં આવ્યા છે, અને હવે તેઓ રસ્તા પર છે. હિંમતસિંહ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ આ મુદ્દે કાયદાકીય લડત લડશે અને જરૂરી પડકાર સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે.