અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ પોતાના ઉમેદવારોને ગોઠવવાની વેતરણમાં પડ્યા છે. 2012માં સીમાંકન બદલાયા પછી ભાવનગર ગ્રામ્યમાં બીજેપીના કોળી નેતા પુરુષોતમ સોલંકી સામે શક્તિસિંહને લડાવીને કોંગ્રેસનો ગરબો ઘરે આવ્યો હતો. પરંતુ એ વખતે કોંગ્રેસના અપક્ષ ઉમેદવાર નટુ ભાલૈયા અને ભાજપની બી ટીમ જીપીપીના કેશુભાઇ ભગત નડી ગયા હતાં. અને લગભગ છ ટકા વોટ ઓળવી ગયા હતાં, જેના કારણે કોંગ્રેસનું ગણિત ઉંઘું પડ્યું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસે નવી રણ નીતિ અપનાવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સામે જ મોરચો માંડવાનું નક્કી કર્યું છે.
કોંગ્રેસે પોતાની આ રણનીતિ નક્કી કરવા પાછળ પણ જુદી રીતે ગણિત માંડ્યા છે. આ વખતે જીતુ વાઘાણીને ચારે ખૂણે ચિત્ત કરવા માટે નવી નીતિ અપનાવી છે. અને શક્તિસિંહને ભાવનગર પશ્ચિમમાંથી લડાવવાનું નક્કી કર્યું છે. કારણ કે 2014માં મોદી લહેર હતી. અને ગુજરાતમાંથી લોકસભાની 26 સીટ પર કોંગ્રેસ હાર્યું ત્યારે ભાવનગર વેસ્ટની સીટ એવી હતી કે, જ્યાં ભાજપના વોટ ઘટ્યા હતાં. આ ચૂંટણીમાં ભાજપના વોટ 2012 કરતાં 2014માં સાડા પાંચ હજાર વોટ ઘટ્યા હતાં. સ્વચ્છ ઇમેજ ધરાવતા કનુ કલસરિયાને કોંગ્રેસ તરફે મનાવી લેવામાં આવ્યા છે. જેના કારણે અહીં કલસરિયાનો કરંટ જીતુ વાઘાણીને લગાવી શકાય એમ છે. એટલે શક્તિસિંહ માટે ભાવનગર પશ્ચિમની સીટ થોડી વધુ આસાન થઇ શકશે.
આટલું ઓછું હોય તેમ જીતુ વાઘાણી સામે હવે ભાવનગર (પશ્ચિમ)ની સીટ પર નવો મોરચો ખૂલી ગયો છે. કારડિયા રાજપુતોનું આંદોલન શરૂ થયું છે. તો જીતુ વાઘાણી સામે મોરચા મંડાયા છે. 6000 કારડિયા રાજપુતોએ ખાંડુ ફેરવી જીતુ વાઘાણીને વોટ નહીં આપવાનું નક્કી કર્યું છે. જે શક્તિસિંહના ફાયદાકારક સાબિત થાય એમ છે. ખાટલે મોટી ખોડ એ વાતની છે કે, પટેલ વોટના આધારે જીતનારા જીતુ વાઘાણી સામે પટેલોની જ નારાજગી છે. એ સાબિત થયું છે કે, 2014ની ચૂંટણીમાં મોદી લહેરમાં પણ ભાજપના વોટ ઘટ્યા છે તો બાજુમાં ભાવનગર (પૂર્વ)ની સીટ પર અને ગઢડાની સીટ પર ભાજપના વોટ વધ્યા છે. આ બતાવે છે કે, પટેલ અને કારડિયા રાજપુતને ભેગા કરવામાં જો કોંગ્રેસ સફળ જાય તો જીતુ વાઘાણીને જુલાબ આપવામાં સફળતા મળે એમ છે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા આ સીટ પર એ બ્રાહ્મણ અને એક દલીત અપક્ષ ઊભો રાખવાની ફિરાકમાં છે. તેથી ભાવનગર પશ્ચિમની સીટ પર તો 3.5 ટકા વોટ જો આ બે અપક્ષો લઇ જાય તો કોંગ્રેસને દોડવા માટે ઢાળ મળી શકે એમ છે અને જીતુવાઘાણીને ભાવનગર (વેસ્ટ)ના લોકો વેસ્ટ ગણી લે તો જીતુ વાઘાણીને ભાવનગરમાં ભાન ભૂલવાનો વારો આવી શકે એમ છે.
(ભાવનગરમાં જાતુ વાઘાણીને શું નડી શકે? વાંચો..આવતી કાલે સત્યડે.com પર)