Surat: 2500 કરોડના જમીન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો,મનહર કાકડીયા, નરેશ શાહ સહિત મોટા માથાઓની સંડોવણી
Surat સુરતમાં ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના મોટા માથાઓનું રૂ. 2500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. આ બાબતે CID ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તત્કાલીન સિટી સર્વે સુપ્રિ. કે.ડી.ગામીત, એ.ડી.પટેલ સહિતના સરકારી બાબુઓ સહિત સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.
Surat સાયલન્ટ ઝોન વિસ્તારમાં સિટી સરવેના અધિકારીઓની મીલિભગતથી જૂની શરતની જમીનોને બિન ખેતી તરીકે રૂપાંતરીત કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ખોટું માલિકીપણું ઉભું કરી દીધું અને આ કારસ્તાન સમૃદ્ધી કોર્પોરેશનના નામે થયું. લગભગ 351 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા. સમુદ્ધી કોર્પોરેશમાં 4 ભાગીદાર છે, જેમાં નરેશ શાહ, મનહર કાકડીયા, જયપ્રકાશ આસવાની અને લોકપાલ ગંભીર. પરંતુ CID ક્રાઇમ, સુરતે અત્યારે માત્ર સમૃદ્ધી કોર્પોરેશન અને ભાગીદાર એવું લખ્યું છે. નામ લખ્યા નથી.
જમીન માલિક આઝાદ રામોલિયા એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી આઝાદ રામોલિયાએ સીઆઇડી ક્રાઇમથી લઇ મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી છે. આ કેસમાં બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઇ જમીન માલિકને જમીન વેચવા પહોંચતા સમગ્ર રેકેટ સામે આવ્યું હતું. શહેરમાં ડુમસ-વાટાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવા મામલે રામોલિયાએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે. જેમાં તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબંધિત તંત્રોને કાર્યવાહી કરવા સાથે પત્ર પણ મોકલ્યો હતો. જોકે, શહેરમાં મોટા ભાઇ બનીને ફરતા જમીન માફિયાઓના ઇશારે સરકારી બાબુઓ મુખ્યમંત્રીના આદેશને પણ ઘોળીને પી ગયા હતા.
સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ અરજીમાં સામેલ પરંતુ FIRમાંથી ગાયબ થઇ ગયા. ફરિયાદી આઝાદ રામોલિયાએ સીઆઇડી ક્રાઇમથી લઇ મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરેલી અરજીમાં સમૃદ્ધિ કોર્પોરેશન ભાગીદારી પેઢીના ભાગીદારો સામે ફરિયાદ નોંધાવી છે. જેમના નામ નીચે મુજબ છે.
1. નરેશ નેમચંદ શાહ (રહે- અભિષેક બંગલો, અશ્વિન મહેતા પાર્ક પાસે, અઠવાલાઇન્સ)
2. મનહર મુળજીભાઇ કાકડિયા (રહે- સીટીલાઇટ સોસાયટી, ઉમરા)
3. લોકનાથ લોરેન્દામલ ગંભીર (રહે- સાયલન્ટ ઝોન, ડુમસ)
4. જયપ્રકાશ ખાનચંદ આસવાણી (રહે- સાયલન્ટ ઝોન, ડુમસ)
5. મીનાબેન નરેશ શાહ (રહે- અભિષેક બંગલો, અઠવાલાઇન્સ)
6. હિતેશ મહાસુખલાલ દેસાઇ (રહે- મણિપુષ્પક સોસાયટી, દેલાડ, ઓલપાડ)
7. સીટી સર્વેયર ઓફિસર કાનાલાલ પોલા
જોકે, સીઆઇડી ક્રાઇમના સુરત ઝોને દાખલ કરેલી FIRમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને આરોપી તરીકે દર્શાવ્યા હતા. FIRમાંથી સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર બિલ્ડરોના નામ ગાયબ હોય અનેક શંકાકુશંકા ફેલાઇ છે. સામાન્ય રીતે અરજીના કેસમાં પૂરતી તપાસ તથા પુરાવા હાથવગા કર્યા બાદ તમામ આરોપીઓના નામ સાથે ગુનો દાખલ થતો હોય છે.
આ કેસમાં FIRમાંથી સમૃદ્ધિના ભાગીદારોના નામનો શા માટે ઉલ્લેખ કરાયો નથી
તે અંગે સીઆઇડીએ કોઈ ફોડ પાડ્યો નથી. પાલિકામાં સાયલન્ટ ઝોનના નામે કોઈ પ્રોજેક્ટ જ નથી. કુલ 351 જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવાયા છે. સુરત શહેરના મોટા માથા કહેવાતા બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી બનાવી સરકારી બાબુઓ સાથે મીલીભગત રચી ડુમસ અને વાટા ગામની અંદાજીત 5 લાખ વારની 2500 કરોડની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્રિ-પ્લાન કૌભાંડ આચર્યુ હોવાની સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બોગસ પ્રોપર્ટી કાર્ડથી જમીનમાં અનઅધિકૃત રીતે સાયલન્ટ ઝોનના નામે પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતો અને સરકારી તિજોરીને પણ કરોડોનું નુકસાન પહોંચાડાયું હતુ.
મળતી વિગતો પ્રમાણે ઘોડદોડ રોડ પર કોટક બેંક નજીક લક્ષ્મી વિલાસ કોમ્પલેક્સમાં રહેતા આઝાદ ચતુરભાઈ રામોલિયા (47) અંકલેશ્વર-હાંસોટ ખાતે ઈગનશ પ્રા. લિ. નામની કંપની ધરાવે છે. આઝાદ રામોલિયા ખેડૂત પણ છે. શહેરમાં ડુમસમાં બ્લોક નં. 815, 801-2, 803, 804, 83, 728-2 વાળી જમીન તથા વાટામાં બ્લોક નં. 61 વાળી જમીન મગદલ્લાના ખેડૂત રસિક લલ્લુભાઈ પાસેથી ખરીદી હતી. જેની એન્ટ્રી વર્ષ 2016-17માં પ્રમાણિત થઈ હતી. આ જમીનોના 7-12ના ઉતારામાં આઝાદભાઈ અને તેમની પત્નીના નામો પણ ચઢી ગયા છે.
વર્ષ 2022માં જીગ્નેશભાઈ નામના જમીન બ્રોકર રામોલિયા પાસે બ્લોક નં. 803નું પ્રોપર્ટી કાર્ડ લઈને પહોંચ્યો હતો અને જમીન વેચવાની વાત કરી હતી. આ જમીન પહેલેથી જ રામોલિયાની માલિકીની હતી જેથી તેઓ ચોંકી ગયા હતા. તેમણે રેવન્યુ રેકર્ડની ઓનલાઈન વેબસાઈટ પર ચેક કરતા ડુમસ અને વાટા ગામની તમામ જમીનોના સર્વે નંબરોમાં અલગ-અલગ વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોતે આ જમીનોના મામલે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી ન હોવા છતાં 135 જેટલાં અલગ-અલગ ક્ષેત્રફળ વાઈઝ જુદા-જુદા નામે પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા.
સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર બિલ્ડરોએ ડુમસ અને વાટા ગામમાં આવેલી કરોડો રૂપિયાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું કૌભાંડ આચર્યુ હતુ. આ તમામ પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પ્રમાણિત કરનાર પ્રમોલગેશન વર્ગ-1ના અધિકારી તરીકે તત્કાલીન નાયબ નિયામક કાનાભાઈ પોસ્લાભાઈ ગામીત (કે.પી.ગામીત)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શહેરના મોટા માથા કહેવાતા સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ ડુમસ અને વાટાની જમીનમાં સાયલન્ટ ઝોન નામની પ્લોટિંગની સ્કીમ બનાવી ખેડૂતોની જમીનો પર ગેરકાયદે પ્લોટો બનાવી અન્યોને વેચી દઈ કરોડો રૂપિયા ગજવે ઘાલ્યા છે. આ પ્લોટના બોગસ પાવર પણ બનાવાયા હતા. પ્લોટ વેચાણના નાણાં સમૃદ્ધિ કોર્પોરેશનના બેંક એકાઉન્ટમાં જમા થયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ઓનલાઈન ચકાસણી કરતા સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નોંધાયેલી ન હોય કંપની બોગસ ઉભી કરાઈ હોવાના સંગીન આરોપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સર્વે નં. 823 વાળી જમીન નવી શરતની હોવા છતાં સરકારમાં જરૂરી પ્રિમિયમની રકમ નહીં ભરી સરકારી તિજોરીને પણ કરોડોનું ચૂનો ચોપડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમૃદ્ધિ કોર્પોરેશનના પેઢીના ભાગીદારોએ
સિટી સર્વે સુપ્રિ.ના વર્ગ-1ના તત્કાલીન અધિકારી કાનાલાલ પોલાભાઈ ગામીત, અનંત ડાહ્યા પટેલ, ડેટા એન્ટ્રી કરનાર કર્મચારીઓ સાથે મીલીભગત રચી ડુમસ, વાટા ગામની કરોડોની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. આ જમીનોમાં ગેરકાયદે સાયલન્ટ ઝોનની પ્લોટિંગ સ્કીમ મૂકી વેચાણ કરવાનું કૌભાંડ કર્યુ હતુ. આઝાદ રામોલિયાની ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમે આ મામલે ગુનો નોંધ્યો છે. જેથી પીઆઈ સંઘાણીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.