Sindhi Cultural Hall : અમદાવાદ: ચેટીચાંદ પર્વે સિંધી સમાજ માટે ખુશખબર, નરોડામાં બંધાશે સિંધી સાંસ્કૃતિક ભવન
Sindhi Cultural Hall : અમદાવાદમાં ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી દરમિયાન સિંધી સમાજ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની રાજધાની અમદાવાદમાં પહેલીવાર સિંધી સાંસ્કૃતિક ભવન બનશે, જે શહેરના નરોડા વિસ્તારમાં નિર્માણ પામશે.
18 કરોડના ખર્ચે બનશે દેશનું પહેલું સિંધી સાંસ્કૃતિક ભવન
ભગવાન જુલેલાલના પ્રાગટ્ય દિન ચેટીચાંદ પર્વની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તે જ સમયે, સિંધી સમાજ માટે નરોડામાં ખાસ ભવન બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ ભવન દેશનું સૌપ્રથમ સિંધી સાંસ્કૃતિક ભવન હશે, જેની કુલ અંદાજીત કિંમત 18 કરોડ રૂપિયા હશે. આ સમાચાર મળતા જ સિંધી સમાજમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.
ચેટીચાંદ પર્વની ઉજવણી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા અને તેમણે સિંધી સમાજના લોકો માટે શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે નરોડાના ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ ભવનના નિર્માણ વિશે માહિતી આપી.
સિંધી સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો પ્રયાસ
ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણીએ જણાવ્યું હતું કે, “ચેટીચાંદ પર્વ 1300 વર્ષ જૂની પરંપરા છે, જે આજે પણ ઊજવાય છે. સિંધી સમાજની સંસ્કૃતિ અને ઈતિહાસ અમુલ્ય છે, અને તેને સાચવવા માટે નરોડામાં સરકારી સહાયથી સૌપ્રથમ સિંધી સાંસ્કૃતિક ભવન બનવાનું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “1947 પછી સિંધી સમાજે જે સંઘર્ષ કર્યો હતો, તે અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી છે. તે સંઘર્ષ અને ઈતિહાસને રાખવા માટે એક મ્યુઝિયમ પણ બનાવવાનો પ્રસ્તાવ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયમ સિંધી સમાજની વારસાગત ઓળખને પેઢી દર પેઢી સચવશે.”
5,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં નિર્માણ થશે ભવન
સિંધી સંસ્કૃતિના આ ભવન માટે નરોડાના માયા સિનેમાના 5,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં નિર્માણકાર્ય હાથ ધરાશે. 2024-25ના બજેટમાં ગુજરાત સરકારે આ ભવન માટે 18 કરોડનું અનુદાન મંજૂર કર્યું છે.
આ નિર્ણય માત્ર અમદાવાદ જ નહિ, સમગ્ર ગુજરાતના સિંધી સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ ભવન ન માત્ર સંસ્કૃતિનું પ્રતિક હશે, પરંતુ સમાજ માટે એક એકીકૃત મંચ તરીકે પણ કાર્ય કરશે.