Social Media Guidelines : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી સોશિયલ મીડિયા ગાઈડલાઈન જાહેર કરી, સુરક્ષા જોખમોને લઇને કડક સૂચનાઓ
Social Media Guidelines: ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી સ્થિતિ અને સાયબર હુમલાઓની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે તમામ સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ચોકસાઈ અને જવાબદારીથી સોશિયલ મીડિયા ઉપયોગ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
આ નવી એડવાઈઝરીનો મુખ્ય હેતુ માહિતીનો ગેરવપરાશ અટકાવવો અને સુરક્ષા સંકટોને ટાળવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર, હાલની તંગ પરિસ્થિતિમાં ગોપનીય માહિતી, ડેટા લીક અને ખોટા સંદેશાઓ દ્વારા રાજ્યના મહત્વપૂર્ણ તંત્ર પર નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે.
માર્ગદર્શિકાના મુખ્ય મુદ્દા:
સરકારી કર્મચારીઓને તેમની ઓળખ, ઓફિશિયલ માહિતી, કાર્યસ્થળના ફોટા કે ઓળખ પત્ર જેવી વિગતો સોશ્યલ મીડિયા પર શેર ન કરવા જણાવ્યું છે.
કોઈપણ અજાણી લિંક, ડોક્યુમેન્ટ, ક્યૂઆર કોડ કે સંકેતો પર ક્લિક કરવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે.
બિનમુલ્ય ડેટા કે મિસ ઈન્ફોર્મેશન લીક થવાથી સર્જાઈ શકે તેવા જોખમો સામે ચેતવણી અપાઈ છે.
મજબૂત પાસવર્ડ, ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) અને વિશ્વસનીય એપ્લિકેશનનો ઉપયોગ ફરજીયાત કરવાનો તાકીદભર્યો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સરકારી ઈમેઈલનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
કેમ અપાઈ છે આ સલાહ?
વિવિધ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અને વધતા સાયબર હુમલાના સંકેતોને આધારે ગુજરાત સરકારે આ પગલું ભર્યું છે. હાલ ફિશિંગ, નકલી વેબસાઈટો અને ડિજિટલ ઘુસણખોરીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓ દ્વારા કોઈ પણ બેદરકાર અભિગમ સંપૂર્ણ તંત્ર માટે જોખમરૂપ બની શકે છે.
જિલ્લા સ્તરે અમલ માટે સૂચનાઓ
આ ગાઈડલાઈનનો રાજ્યના દરેક જિલ્લામાં કડક અમલ થાય એ માટે દિશા-નિર્દેશો મોકલવામાં આવ્યા છે. દરેક વિભાગે આ સૂચનાઓનો અમલ સુનિશ્ચિત કરવા અને કર્મચારીઓને સમયસર સજાગ રાખવા માટે પ્રયત્નશીલ રહેવું છે.
આ સાથે, સરકારએ આ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા સંબંધિત આ પગલાં માત્ર હમણાંની પરિસ્થિતિ માટે નહિ, પણ લાંબા ગાળાની ડિજિટલ સલામતી માટે પણ છે.