Solar Energy Grant for Schools in Gujarat : ગુજરાતની શાળાઓ માટે સોલાર ઉર્જા ગ્રાન્ટ: 80% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવવાની શક્યતા
Solar Energy Grant for Schools in Gujarat : ગુજરાતમાં સોલાર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સોલાર સિસ્ટમ માટે સરકાર તરફથી સહાય મળતી નથી. શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે શાળાઓમાં વીજબીલનો મોટો ખર્ચ થતો હોવાથી, સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશન માટે 80% ગ્રાન્ટ આપવામાં આવે. આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.
શાળાઓના ઊંચા વીજબીલનો મુદ્દો
ગુજરાતમાં કે.જી.થી ધોરણ 12 સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં વીજ વિતરણ માટે અલગ-અલગ દર લાગુ પડે છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે કોમર્શિયલ વીજદર અમલમાં છે, જે રેસિડેન્સિયલ દર કરતા વધુ મોંઘા છે. શાળાઓના વીજબીલમાં 15% સરકારી વેરો ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ₹100 ના વીજબીલ પર ₹15 વધારીને કુલ રકમ ₹115 થાય છે.
શાળાઓ માટે સોલાર સિસ્ટમ જરૂરી
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતું કે, ગ્રાન્ટેડ શાળાઓને મળતી નિભાવ ગ્રાન્ટમાંથી લગભગ 70% રકમ વીજબીલ ચૂકવવામાં જાય છે. આથી, જો શાળાઓ સોલાર સિસ્ટમ સ્થાપિત કરે તો તેઓ લાંબા ગાળે વીજ ખર્ચ બચાવી શકે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શાળાઓ માટે ખાસ સોલાર ગ્રાન્ટ યોજનાનો અમલ થવો જોઈએ.
શાળા સંચાલકોની રજૂઆત
રાજ્યમાં સૌર ઉર્જાના વિવિધ યોજનાઓ શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ નથી. શાળા સંચાલકોનું માનવું છે કે સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ માટે 80% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવવી જોઈએ. બાકીની 20% રકમ શાળા સંચાલકો ભરી શકે. સાથે જ, સ્વનિર્ભર શાળાઓ માટે પણ અનુકૂળ સહાયની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.
આ રજૂઆતને સરકાર ક્યારે અને કેવી રીતે અનુસરે છે તે જોવું રહ્યું!