Somnath and Kashi Vishwanath Mahaprasad : શ્રાવણ માસમાં ભક્તો માટે ભક્તિભર્યું ભેટપત્ર
Somnath and Kashi Vishwanath Mahaprasad : ભગવાન શિવને અર્પિત પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તો માટે એક અનોખી અને ખાસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. હવે તમારે મંદિરે જવાનો સમય ન હોય તો પણ તમારું શ્રદ્ધાભાવ નિભાવવો શક્ય છે. ભારતીય ડાક વિભાગે એક નવી પહેલ હેઠળ દેશના કોઈ પણ ખૂણામાં રહેલા ભક્તોને શ્રી સોમનાથ (ગુજરાત) અને શ્રી કાશી વિશ્વનાથ (વારાણસી) મંદિરનો મહાપ્રસાદ સ્પીડ પોસ્ટ મારફતે ઘરે પહોંચાડવાની સેવા શરૂ કરી છે.
શ્રી સોમનાથ મહાપ્રસાદ મેળવવાની પ્રક્રિયા
ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે માહિતી આપી હતી કે, આ સેવા શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચેના કરાર હેઠળ ઉપલબ્ધ થઈ છે. ભક્તો માત્ર ₹270 નો ઈ-મની ઓર્ડર “મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો જૂનાગઢ, ગુજરાત – 362268” ના નામે મોકલીને પ્રસાદ મેળવી શકે છે. ઓર્ડર પર ખાસ રીતે “પ્રસાદ માટે બુકિંગ” લખવું ફરજિયાત છે.
પ્રસાદ પેકેટમાં સમાવેશ થાય છે:
200 ગ્રામ બેસનના લાડૂ
100 ગ્રામ તલની ચિક્કી
100 ગ્રામ માવાની ચિક્કી
શ્રી કાશી વિશ્વનાથનો મહાપ્રસાદ પણ હવે ઘરે
શ્રદ્ધાળુઓ હવે ઉત્તરપ્રદેશના પવિત્ર કાશી શહેરના જ્યોતિર્લિંગ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ પણ ઘરે મંગાવી શકે છે. આ માટે ₹251 નો ઈ-મની ઓર્ડર “પ્રવર અધિક્ષક ડાકઘર, વારાણસી (પૂર્વ) મંડળ – 221001” ના નામે મોકલવો પડશે.
પ્રસાદમાં મળશે:
શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી
મહામૃત્યુંજય યંત્ર અને શ્રી શિવ ચાલીસા
108 રુદ્રાક્ષ દાણા સાથેની માળા
બેલપત્ર, ભભૂતિ, રક્ષા સૂત્ર
માતા અન્નપૂર્ણા અને શિવજીની છબીવાળો સિક્કો
મેવો અને મિશ્રીનું પેકેટ
આ પ્રસાદ સંપૂર્ણ રીતે સૂકા સ્વરૂપમાં હોવાથી લાંબો સમય સાચવી શકાય છે.
સરળ પ્રક્રિયા, ભક્તો માટે આશીર્વાદરૂપ
ડાક વિભાગે ભક્તોની સરળતા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. ઈ-મની ઓર્ડર મોકલતી વખતે શ્રદ્ધાળુએ પોતાનું પૂરું નામ, સરનામું, પિન કોડ અને મોબાઈલ નંબર સ્પષ્ટ લખવાનું રહેશે. આની આધારે તેમને એસએમએસ દ્વારા સ્પીડ પોસ્ટના ટ્રેકિંગની વિગતો પણ પ્રાપ્ત થશે.
આ સેવા શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તોને તેમના ઘરમાં બેસીને જ પવિત્ર જ્યોતિર્લિંગોના પ્રસાદના આશીર્વાદ મેળવનાર એક સચોટ સાધન બનશે.