કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટીનું ગત વર્ષે ઉદ્ઘાટન કર્યા બાદ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. પ્રવાસીઓ આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકે અને આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે તે હેતુથી અહીં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલ આ હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી બનાવવામાં આવી છે. ત્યારે હેલિકોપ્ટરના અવાજથી સફારીમાં પ્રાણીઓ ડરી જતા હોવાથી હાલ પૂરતી આ સેવા બંધ કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અને નર્મદા જિલ્લાના કલેક્ટર આઈ.કે. પટેલે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. હેલિકોપ્ટરના અવાજથી ત્યાં બનાવેલા જંગલ સફારી પાર્કમાં જાનવરો ડરી જાય છે. જેને લઈને જંગલ સફારી પાર્કમાં તકલીફ પડી શકે છે. આ મામલે વનવિભાગ દ્વારા અમને સૂચન કરવામાં આવ્યું હતું. જેથી ખાનગી હેલિકોપ્ટર સેવાનું સ્થળ બદલવા વિચારણા ચાલી રહી છે અને અમે નવી જગ્યા શોધી રહ્યાં છે.
વન મંત્રાલયે નર્મદા કલેક્ટરને રજૂઆત કરી હતી કે, હેલિકોપ્ટરના અવાજને કારણે કેવડિયા ખાતે અભયારણ્યમાં રખાયેલા વન્ય પ્રાણીઓ ભયભીત થાય છે. કેવડિયા ખાતે બની રહેલા સફારી પાર્કમા એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેઓ કુદરતી વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોય છે. હેલિકોપ્ટરના ઘોંઘાટના કારણે હાંફળા-ફાંફળા અને ‘ડિસ્ટર્બ’ થઈ જાય છે.
નર્મદા નદીના કિનારે 5.58 લાખ ચોરસ મીટરમાં આલિશાન સફારી પાર્ક ઉભુ કરાયું છે. જેમાં એશિયાઈ સિંહ, રોયલ બેંગાલ ટાઈગર, ચિત્તા, દીપડા, ઝીબ્રા, શાહમૃગ, જિરાફ, કાંગારૂ હરણ, વગેરે જેવા 170 જેટલા વન્ય પ્રાણીઓનો નજારો માણી શકાશે. આ સફારીમાં વિવિધ વન્ય પશુઓ માટે જુદા જુદા ૭ ઝોન તૈયાર કરાશે.