મુંબઈની જેમ ગુજરાતમાં પણ નશીલા પદાર્થોનું સેવન વધવા લાગ્યું છે, જેને લીધે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું હોવાથી ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને તેણે ગુજરાતની એન્ટી-નાર્કોટિકની નીતિમાં ધરખમ ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં ડ્રગ્સનું સેવન બહાર આવતાં દેશભરમાં એના પડઘા પડ્યા છે, ત્યારે 1961માં અસ્તિત્વકાળની દારૂબંધી ધરાવતું ગુજરાત એન્ટી-નાર્કોટિક અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ નીતિ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડ્રગ્સની નવી નીતિમાં પોલીસને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ (એનડીપીએસ) કાયદા હેઠળના આરોપીની મિલકત ટાંચમાં લેવા વધુ સત્તા અપાશે. નશીલા અને સાઇકોટ્રોપિક પદાર્થોનાં સેવન અને સંગ્રહની માહિતી આપનારાં પોલીસ અને પ્રજાને ઈનામ આપવાની પણ દરખાસ્ત છે. રાજ્ય ગૃહ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, નીતિનો પ્રથમ મુસદ્દો તૈયાર છે અને એને મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવ્યો છે.