કોરોના વાઇરસ સામે પ્રતિકારક શક્તિ મેળવવા માટે આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અને જાગૃતિના કારણે આયુર્વેદિક દવાઓ બનાવતી ગુજરાતની કંપનીઓની ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ગળો, સુદર્શન, દશમૂલ સહિતની પ્રોડક્ટ્સની માંગમાં 300 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે. લોકડાઉનના સમયમાં અનેક કંપનીઓમાં કામકાજ અટક્યું છે અને ટ્રાન્સપોર્ટેશન સેવાઓ હજુ પૂર્વવત્ થઈ નથી તેથી સમસ્યાઓ પણ આવી રહી છે. માંગ પ્રમાણે પુરવઠો નહીં જળવાય તો આયુર્વેદની દવાઓની અછત સર્જાય તેવી સ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આયુર્વેદની દવા બનાવતી કંપનીઓને ઉત્પાદન વધારવાની સૂચના આપી છે. ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રબોધ શાહે જણાવ્યું હતું કે, “કોરોના વાઇરસના કારણે ચીન અને યુરોપમાં સ્થિતિ ખરાબ થઈ ત્યારથી જ ગુજરાતમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી આયુર્વેદિક પ્રોડક્ટ્સની માંગમાં વધારો થયો હતો. અનેક કંપનીઓ આખા વર્ષમાં જેટલું વેચાણ કરતી હતી તેના કરતાં વધારે વેચાણ છેલ્લા ત્રણ મહિનામાં કર્યું છે. ગળો કે સુદર્શનના વાર્ષિક 100-150 કિગ્રા એક્ષ્ટ્રેક્ટનો ઉપયોગ થતો હોય તે કંપનીઓએ બે-ત્રણ મહિનામાં જ 400 કિગ્રાથી વધારે એક્ષ્ટ્રેક્ટનો ઉપયોગ કર્યો છે. જોકે, ટ્રાન્સપોર્ટેશન અને રો-મટિરિયલની સમસ્યા કેટલીક જગ્યાએ જોવા મળી રહી છે.”