Surat airport building clearance : સુરત એરપોર્ટ નજીકની ઊંચી ઇમારતો સામે કાર્યવાહી, 151 ફ્લેટ માટે નોટિસ ફટકારી
Surat airport building clearance : અમદાવાદમાં તાજેતરમાં થયેલી પ્લેન દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરત એરપોર્ટ આસપાસ આવેલી 27 જેટલી શંકાસ્પદ ઊંચી ઇમારતોને ચિહ્નિત કરી તેની સામે પગલાં શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં 5 મુખ્ય ઇમારતોનું ફરીથી સર્વે થઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને પાલના “કાસા રિવેરા”, વેસુની “KPM ટેરા” અને “સેલેસ્ટિયલ ડ્રીમ્સ” જેવી હાઈ-પ્રોફાઇલ રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.
કાસા રિવેરામાં 36 ફ્લેટ ખાલી કરવા માટે નોટિસ, પાણી-નળ કાપવાની ચીમકી
પાલિકા તરફથી પ્રથમ કાર્યવાહી રૂપે “કાસા રિવેરા”ના રહેવાસીઓને નોટિસ આપીને 36 ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપાયો છે…..પાલિકાએ ચેતવણી આપી છે કે જો સમાપ્ત સમયમર્યાદામાં ફ્લેટ ખાલી નહીં થાય, તો બિલ્ડિંગ માટે નળ અને પાણીના કનેક્શનો કપાઈ જશે.
કરોડો રૂપિયાના 151 ફ્લેટ ખાલી કરાવવાના આદેશ
KPM ટેરા બિલ્ડિંગના 74 અને સેલેસ્ટિયલ ડ્રીમ્સના 41 ફ્લેટ મળીને કુલ 151 ફ્લેટ માટે નોટિસ અપાઈ છે. દરેક ફ્લેટની બજાર કિંમત આશરે ₹2.5થી ₹5 કરોડની વચ્ચે છે. ચોંકાવનારી વાત એ છે કે આ તમામ ઈમારતોને આજે સુધી BUC (બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ) આપવામાં આવ્યું નથી.
પહેલા મળી NOC, હવે રી-સર્વેમાં સામે આવી મુશ્કેલી
સુરત મહાનગરપાલિકા અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચેના દસ્તાવેજો અનુસાર પહેલા આ બિલ્ડિંગ્સને NOC મળ્યું હતું અને તેની આધારે બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હાલના રી-સર્વે મુજબ જાણવા મળ્યું છે કે આ ઈમારતો એરપોર્ટના સુરક્ષા ઝોનમાં આવી જાય છે અને ફ્લાઇટ ઓપરેશન માટે જોખમરૂપ બની શકે છે.
વધુ કાર્યવાહી માટે શહેરમાં તાતી કામગીરી
અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ નજીક અન્ય બિલ્ડિંગ્સ માટે પણ સર્વે ચાલી રહ્યો છે. આગામી સમયમાં વધુ ઇમારતો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય એ સંકેતો પાલિકા દ્વારા મળી રહ્યા છે.