Surat Fake call centre: સુરતમાં ફેસબુક લોનના લાલચે લોકો સાથે ઠગાઈ કરતી કોલ સેન્ટર ગેંગ ઝડપાઈ, પાંચ આરોપી કાબૂમાં
Surat Fake call centre: સુરત શહેરના અઠવા વિસ્તારમાં પોલીસને વધુ એક ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. આ ગેરકાયદેસર કોલ સેન્ટર ફેસબુક પર લોન આપવાની લોભામણી જાહેરાતો આપી ગુજરાતના અનેક નાગરિકોને પોતાના જાળમાં ફસાવતું હતું. પોલીસે 5 વ્યક્તિઓની ધરપકડ કરીને 13 મોબાઈલ ફોન અને 4 લેપટોપ જપ્ત કર્યા છે.
ફેસબુક પર લોન આપવાની લાલચથી લોકો ઠગાતા
મહેર પાર્કની બિલ્ડિંગ ‘બી’ના રૂમ નં. 404 અને 405માંથી ચાલતું આ કોલ સેન્ટર વિવિધ પ્રકારની લોન જેવી કે પર્સનલ, બિઝનેસ અને એજ્યુકેશન લોનની જાહેરાતો ફેસબુક પર પોસ્ટ કરતું હતું. ફરિયાદી કે સંબંધિત વ્યક્તિ જ્યારે સંપર્ક સાધતી, ત્યારે કોલ સેન્ટરના સ્ટાફ દ્વારા તેમને સર્વિસ ફીના બહાને રૂપિયા વસૂલવામાં આવતા.
દર્દનાક રીતથી લોકોથી ખંખેરાતા રૂપિયા
આ ગેંગ લોકોના મોબાઈલ નંબર મેળવ્યા બાદ કોલ કરી લોનની પ્રક્રિયા શરૂ કરવા નામે રૂપિયા પડાવતી હતી. કેટલાક કેસોમાં તો લોકોના બેંક એકાઉન્ટની માહિતી મેળવી એકાઉન્ટ ખાલી કરી દેવાતા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન એકજ ઓફિસમાંથી 13 મોબાઈલ ફોન અને ગ્રાહકોના વિગતો ભરેલા 4 લેપટોપ મળી આવ્યા છે.
Mumbai કનેક્શન પણ આવ્યો સામે
પોલીસની પૂછપરછમાં ખુલ્યું છે કે, આ કોલ સેન્ટર ‘ગ્લોબલ’ નામની મુંબઈ સ્થિત કંપનીની ફ્રેન્ચાઈઝી તરીકે ચલાવવામાં આવતું હતું. અત્યાર સુધીમાં આશરે 45 લાખ રૂપિયાની ઠગાઈ આ ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનો અંદાજ પોલીસએ લગાવ્યો છે.
આરોપીઓમાં 3 યુવક અને 2 યુવતીઓનો સમાવેશ
આ મામલે પોલીસે 3 યુવક અને 2 યુવતીઓને ઝડપી પાડ્યા છે. તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈને આગળની કડી સુધી પહોંચવા પ્રયાસો શરૂ કર્યા છે. બીજી તરફ, સુરત પોલીસની એક ટીમ હવે મુંબઈ જવાનો તૈયારીમાં છે જેથી મુખ્ય સુત્રધાર સુધી પહોંચી શકાય.
પોલીસની અપીલ: લોનની લાલચમાં આવશો નહીં
સુરત પોલીસે નાગરિકોને આવેદન કર્યું છે કે ફેસબુક કે અન્ય સોશિયલ મીડીયા પ્લેટફોર્મ્સ પર આવી લોનની જાહેરાતોથી સાવધાન રહેવું. અજાણ્યા નંબર પરથી આવતાં ફોન પર વ્યક્તિગત માહિતી આપતા પહેલાં ચેતવું ખુબજ જરૂરી છે.