Surat Flood Latest News: સુરતમાં માત્ર 6 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ
Surat Flood Latest News: સુરતમાં આજ રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 7.24 ઈંચ વરસાદ ખાબક્યો, જેને કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર પર ભારે અસર પડી રહી છે. પરિસ્થિતિ એટલી વિકટ બની કે શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરવામાં આવી.
ઓલપાડ-કિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ
સુરત જિલ્લામાં ઓલપાડ અને કિમ જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. અમૃતનગર, સહકારી જિન સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. કિમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વાહનો પણ ખોટકાયા.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે:
ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ
યલો એલર્ટ: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ
માત્ર 2 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
સુરત શહેરમાં સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે જ લગભગ સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો. એ સમયે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું.
‘નાઉ કાસ્ટ’ આગાહી: સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે ‘નાઉ કાસ્ટ’ આગાહી જારી કરી છે, જેમાં સવારે 10 થી બપોરે 1 સુધી પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢનો સમાવેશ થાય છે.
આ દરમિયાન ભારે વરસાદ, મધ્યમ તોફાન અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સુરત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જીવન વ્યવહાર માટે પડકારરૂપ બની ગયો છે. રાજ્યમાં અનેક જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સાવચેતી ભરેલા પગલાં લેવાની જરૂર છે.