Surat: સુરતીઓને દિવાળીની ગિફ્ટ મળી, બેંગકોક, મુંબઈ અને ગોવાની 8 નવી ફ્લાઈટ શરુ કરાશે
Surat: સુરતીઓને દિવાળીની ભેટ મળી છે. જેમાં દિવાળી પહેલા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 8 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. શારજાહ અને દુબઈ બાદ સુરતને ત્રીજી ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળવા જઈ રહી છે. જેમાં હવે એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી બેંગકોક તેમજ મુંબઈની નવી ફ્લાઈટ શરૂ કરશે. જેમાં સુરતથી ગોવા, ચેન્નાઈ, ભાવનગર, મુન્દ્રા, જામનગર, જોધપુર અને ભુજની ફ્લાઈટ સુરત એરપોર્ટ પરથી ઓપરેટ કરવામાં આવશે.
સુરત બેંગકોક ફ્લાઇટની ઘણા સમયથી હતી માંગ
Surat: બેંગકોક ફ્લાઈટ શરૂ થતાં સુરતને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ત્રીજો વિકલ્પ મળશે. સુરત બેંગકોક ફ્લાઇટની લાંબા સમયથી માંગ હતી. આ નવી ફ્લાઈટ્સ શરૂ થતાં સુરત એરપોર્ટ પર શિયાળાના સમયપત્રકમાં ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થશે. ઇન્ટરનેશનલની સાથે ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યામાં પણ વધારો થશે. નવી ફ્લાઈટમાં સુરત એરપોર્ટ પર 4 ઈન્ટરનેશનલ અને 23 ડોમેસ્ટિક ફ્લાઈટ હશે. આમ 54 ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઇટ્સ હશે.
બુકિંગ 27મી ઓક્ટોબરથી શરૂ થશે
એર ઈન્ડિયા એક્સપ્રેસે સુરતથી બેંગકોક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું સમયપત્રક જાહેર કર્યું છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે. એર ઈન્ડિયા એક્સપ્રેસના IX 151 એરક્રાફ્ટમાં 180 સીટ હશે. જે સવારે 6.30 કલાકે સુરતથી બેંગકોક માટે રવાના થશે. રિટર્ન ફ્લાઈટ બેંગકોક એરપોર્ટથી બપોરે 2.50 કલાકે ઉપડશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ તેના શિયાળાના સમયપત્રક માટે 27 ઓક્ટોબરથી બુકિંગ શરૂ કરશે. હાલમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરત એરપોર્ટ પરથી દુબઈ, શારજાહ અને ઈન્ડિગો દુબઈ માટે ફ્લાઈટ ચલાવે છે.
સુરત-મુંબઈ ફ્લાઈટ ચાર વર્ષથી બંધ
એર ઈન્ડિયા એક્સપ્રેસ શિયાળાના સમયપત્રકમાં સુરત અને મુંબઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે સુરત-મુંબઈ ફ્લાઈટ લગભગ ચાર વર્ષથી બંધ હતી. સુરતથી મુંબઈ માટે દરરોજ નવી ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ મુંબઈ-સુરત ફ્લાઈટ સવારે 8.20 કલાકે સુરત પહોંચશે. જે બાદ સવારે 8.50 કલાકે સુરતથી મુંબઈ માટે રવાના થશે.
સુરત એરપોર્ટ સાથે ચાર ડોમેસ્ટિક રૂટને જોડવામાં આવશે
UDAN યોજના હેઠળ, સ્ટાર એર શિયાળાના સમયપત્રકમાં સુરત એરપોર્ટથી ચાર ડોમેસ્ટિક રૂટ ઉમેરશે. આ ચાર ફ્લાઈટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટાર એર સુરતથી જામનગર, ભુજ, મુન્દ્રા અને જોધપુરની ફ્લાઈટ શરૂ કરશે.
જામનગરની ફ્લાઇટ સવારે 9.25 વાગ્યે સુરત પહોંચશે અને સુરતથી સવારે 9.55 વાગ્યે ભુજ માટે રવાના થશે. જ્યારે આ ફ્લાઇટ ભુજથી બપોરે 12.25 કલાકે સુરત પરત ફરશે. આ ફ્લાઇટ દરરોજ થશે. જ્યારે મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર અને શનિવારે સ્ટાર એરની મુદ્રા-સુરત ફ્લાઇટ બપોરે 12.15 કલાકે સુરત પહોંચશે. બપોરે 12.45 કલાકે સુરતથી મુન્દ્રા માટે રવાના થશે. જોધપુરની ફ્લાઇટ રવિવારે બપોરે 1.55 કલાકે સુરત પહોંચશે.