Surat News: હિંમતવાન પાટીદાર PSI દીકરીનો તીખો સવાલ: દારૂ કેસમાં 15માંથી 10 યુવક પાટીદાર, સમાજ ક્યાં જઈ રહ્યો છે?
દારૂ પીને ઝડપાયેલા 15 યુવાનોમાંથી 10 પાટીદાર હોય છે, સમાજ માટે ચિંતાજનક હકીકત છે
સાઇબર ક્રાઈમના નોંધાતા 50% કેસોમાં પાટીદાર યુવાનો સામેલ હોય છે
સુરત, બુધવાર
Surat News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યભરમાં મોટા પાયે દારૂનું વેચાણ થાય છે. પોલીસ અને સરકાર દારૂના પ્રસારને અટકાવવાના દાવા કરતી હોવા છતાં, હકીકત એ છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં દારૂ સરળતાથી ઉપલબ્ધ છે. આ વચ્ચે સુરતના સરથાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા PSI ઉર્વશી મેંદરપાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ પટેલ સમાજ માટે ચોંકાવનારી વાત ઉઘાડી પાડે છે.
પીએસઆઈના નિવેદનથી ખળભળાટ
વાયરલ થયેલા વીડિયોમાં ઉર્વશી મેંદરપા એક કાર્યક્રમમાં પટેલ સમાજને સંબોધી રહ્યાં છે. તેમણે ખુલાસો કર્યો કે દારૂ પીને ઝડપાયેલા 15 લોકોમાંથી લગભગ 10 પટેલ યુવાનો હોય છે. તેઓએ ઉલ્લેખ કર્યો કે આવા કિસ્સાઓમાં મોટા પાયે ભલામણો કરવામાં આવે છે કે પોલીસ આ યુવાનોને છોડી આપે.
ઉર્વશી મેંદરપાએ વધુ એક ચોંકાવનારી વાત કહી કે સાયબર ક્રાઈમના નોંધાતા કેસોમાંથી 50 ટકા કેસ પટેલ સમાજના લોકો સામે હોય છે. પટેલ સમાજ માટે આ આંકડાઓ ચિંતાજનક છે, અને સમુદાયએ આ મુદ્દે સત્વરે વિચારવું જોઈએ.
સામાજિક નેતાઓએ પણ આપ્યો પ્રતિસાદ
પટેલ સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ PSIના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે સમાજને આ હકીકતને ગંભીરતાથી લેવી જોઈએ. તેમની દલીલ છે કે જો પોલીસ દારૂ પીધેલા લોકો પર કડક કાર્યવાહી કરે તો કોઈએ ભલામણ કરવા જવી જોઈએ નહીં.
PSIના નિવેદન પર પટેલ સમાજમાં વાદવિવાદ શરૂ થઈ ગયો છે. કેટલાક લોકો તેમને ટેકો આપી રહ્યા છે, તો કેટલાક આ નિવેદનને પટેલ યુવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. આ મુદ્દો પટેલ સમાજ માટે મંથન કરવાનું કારણ બની શકે છે.