Surat news: મજબૂત સંકલ્પ અને મહેનત: સુરતના રોહન ચાસિયાએ 117KM દરિયો ખેડીને ઇતિહાસ રચ્યો!
રોહને પોરબંદરથી સોમનાથ સુધી 117.23 કિલોમીટરનો દરિયો ખેડીને ઇતિહાસ રચ્યો, દરરોજ 8 કલાક સુધી હલેસા મારતો રહ્યો
મજબૂત મનોબળ અને અવિરત મહેનત દ્વારા કોઈપણ અવરોધને જીતવામાં આવે છે, રોહન ચાસિયાએ તે સાબિત કરી દીધું
Surat news: આજના યુગમાં દિવ્યાંગ વ્યક્તિઓ તેમની મર્યાદાઓ તોડીને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. તેઓ તેમના શારીરિક અવરોધોને શક્તિમાં પરિવર્તિત કરી, વિશ્વ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. સુરતના રોહન ચાસિયા એવાજ એક ઉદાહરણ છે, જેણે જન્મથી જ દુર્લભ બીમારી હોવા છતાં સ્વિમિંગમાં અપવાદરૂપ સિદ્ધિ મેળવી અને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું.
શરૂઆતનો સંઘર્ષ અને સ્વિમિંગનો ડર
રોહન ચાસિયા જન્મથી જ કરોડજ્જૂની મેનિંગોમીલોસેલ વિથ પેરાપેરિસીસ નામની દુર્લભ બીમારીથી પીડિત છે, જેના કારણે તેમનું કમરથી નીચેનું શરીર કામ કરતું નથી. શારીરિક અવરોધ છતાં, રોહને ક્યારેય હાર માનવી નહીં અને 2015માં સ્વિમિંગ શીખવાનો સંકલ્પ કર્યો. શરુઆતમાં તેને પાણીનો ખુબ ડર હતો, પણ હિમત ન હારી અને ગુપચુપ સ્વિમિંગ માટે ફોર્મ ભરી દીધું. જ્યારે કોચે રોહનની સ્થિતિ જોઈ, ત્યારે સંશય વ્યક્ત કર્યો, પરંતુ સમય સાથે મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા રોહને પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું.
વિશેષ સિદ્ધિઓ અને ઈતિહાસ રચતો પ્રયોગ
રોહને ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલ પર અનેક પેરા-સ્વિમિંગ મેડલ્સ જીત્યા છે. 2022-23માં, રોહને વિશ્વની પ્રથમ દિવ્યાંગ કાયાકિંગ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં તેણે પોરબંદરથી સોમનાથ સુધી 117.23 કિલોમીટરનું અંતર દરિયામાં ખેડી ઈતિહાસ રચ્યો. તે દરરોજ 8 કલાક સતત હલેસા મારતો અને 6 દિવસમાં આ સફળતા હાંસલ કરી.
સંઘર્ષને શક્તિમાં બદલી પ્રેરણારૂપ બન્યો
રોહન ચાસિયાએ સાબિત કર્યું કે મજબૂત મનોબળ અને અવિરત મહેનત દ્વારા કોઈપણ અવરોધને જીતવામાં આવે છે. તેમની સફળતા માત્ર વ્યક્તિગત ન રહી, પરંતુ અન્ય દિવ્યાંગો માટે પ્રેરણાસ્ત્રોત બની. તેમના સંઘર્ષની સફર જીવનમાં ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપે છે.
રોહન કહે છે: “જન્મથી જ 90% દિવ્યાંગ છું, પણ ક્યારેય હાર માન્યો નહીં. આજે હું પ્રૂવ કરી શક્યો કે દિવ્યાંગતા એક અવરોધ નહીં, પણ એક તાકાત બની શકે!”