Surat: નવા વર્ષથી જ ટ્રાફિક નિયમોને લઈ સુરત પોલીસની સખ્તાઈ,સિગ્નલ બ્રેક, થૂંકનારા સામે FIR, હેલ્મેટ પહેરવા પર આપશે જોર
Surat:આવનાર નવા વર્ષ 2025થી સુરત પોલીસ કડકાઇ અપનાવવા જઈ રહી છે. ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરાવવા માટે સુરત પોલીસ કમર કસી છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને 2025 માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
Surat પોલીસ કમિશનર ગેહલોતે જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું જો પાલન નહીં કરો તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો સામે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવશે. આ માટે સુરત પોલીસ સુરત મહાનગરપાલિકા સાથે સંકલન રાખીને કાર્ય.વાહી કરશે.
તેમણે જણાવ્યું કે સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારા લોકોને પોલીસ શોધી કાઢશે
અને એફઆઈઆર દાખલ કરશે. આ ઉપરાંત પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી ચુસ્ત રીતે થાય તેના માટે એક્શન મોડમાં આવી ગઈ છે. 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવશે, શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે 45 દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.રેડ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવશે.