Surat: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા.૯મી ઓગસ્ટ- ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી
Surat જિલ્લાના ઉમરપાડા તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ ના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી તથા ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવાએ દેવમોગરા માતાનું પૂજન-અર્ચન કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાણામંત્રીએ યુનો દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સૌને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં
સુખ-સુવિધા સાથે શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ માટે પાકા આવાસ સહિતની વિકાસલક્ષી અનેક યોજનાઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે એમ જણાવતાં ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, આદિવાસી સમાજ પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરતો સમાજ છે. બદલાયેલા સમય સાથે પોતાની ઓળખ અને સંસ્કૃતિને જાળવી રાખવાનો અનુરોધ તેમણે કર્યો હતો. આદિવાસી સમાજના દિકરા-દીકરીઓ રાજ્ય સરકારની શિષ્યવૃતિ, મેડિકલ અભ્યાસ સહાય, વિદેશ અભ્યાસ, પાયલોટ જેવી વિવિધ યોજનાઓનો લાભ મેળવી ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યનો આદિજાતિ સમાજ સર્વાંગી
અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદૃઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, બદલાયેલા સમય સાથે પોતાની ઓળખ અને સંસ્કૃતિનું જતન કરીને આદિજાતિ સમાજ અન્ય સમાજની બરોબરી કરતો થયો છે. આદિવાસી સમાજની નવી પેઢી શિક્ષણ અને સંસ્કારો સાથે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે.
આદિ અનાદી કાળથી વસવાટ કરતા આદિવાસી મૂળ નિવાસી છે,
જેના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકીને કરોડોના વિકાસ કાર્યો કર્યા હતા. નર્મદામાં રૂ.૩૫૦ કરોડના ખર્ચે બિરસા મુંડા યુનિ.નું નિર્માણ તથા કેવડીયા ખાતે ૧૦૦ કરોડના ખર્ચે મ્યુઝિયમનું કાર્ય થઈ રહ્યું છે. ઉમરપાડા તાલુકામાં ઉકાઇનું સિંચાઈનું પાણી મળી રહે તે માટે ૭૫૦ કરોડના ખર્ચના પ્રોજેક્ટનું કાર્ય થઈ રહ્યું છે, જેનું ૮૦ ટકા કાર્ય પૂર્ણ થઈ ચુકયું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉમરપાડાના લોકોને પાણીની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયકશ્રી ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાંબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. પરંપરાગત વાદ્ય, રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સાથે મેઈન બજારથી વનરાજ સ્કુલ સુધી વિશાળ રેલી યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર, માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ, TDOશ્રી પઠાણ, ઉમરપાડા તા. પં.પ્રમુખ રમેશભાઈ વસાવા, માંગરોળ તા.પં.ના પ્રમુખ મનહરભાઈ વસાવા, તરસાડી નગરપાલિકા પ્રમુખ કપિલાબેન પરમાર, ઉમરપાડા સરપંચ પ્રકાશભાઈ વસાવા સહિત વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.