TA DA Hike Gujarat 2025: ફિક્સ પગાર કર્મચારીઓ માટે મોટી રાહત: TA/DA ભથ્થાંમાં થયો વધારો, હવે મળશે વધુ સહાય
TA DA Hike Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વર્ગ-3 અને વર્ગ-4માં ફરજ બજાવતા ફિક્સ પગાર આધારિત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નાણાં વિભાગે નવો ઠરાવ બહાર પાડી વધુ ભથ્થાં આપવા અંગેનો નિર્ણય જાહેર કર્યો છે, જેના અમલથી હજારો કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે.
હમણાં સુધી જો કર્મચારીને સરકારી ફરજ હેઠળ 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછું રોકાવું પડતું, તો તેમને રૂ. 120 મળતા હતા. હવે આ રકમ વધારીને રૂ. 200 કરવામાં આવી છે. તે જ રીતે, જો કર્મચારી 12 કલાકથી વધુ સમય સુધી ફરજ પર હોય તો અગાઉના રૂ. 240ના બદલે હવે તેમને રૂ. 400 TA/DA રૂપે મળશે.
વર્ષો જૂની માંગ હવે પૂરી
ફિક્સ પગાર પર ફરજ બજાવતા અનેક કર્મચારીઓ વર્ષોથી તેમના ખર્ચ માટે મળતા ભથ્થાંની અપર્યાપ્તતાની રજૂઆતો કરી રહ્યા હતા. ઘણી વાર તો તેમને પોતાના ખર્ચ માટે ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડતા હતા. નવા નિર્ણયથી હવે તેમને નિસંદેહ આર્થિક રાહત મળશે અને તેમનાં કામની કદર પણ વધશે.
મુખ્યમંત્રીએ આપી મંજૂરી
આ સુધારેલ ભથ્થાં અંગેનો ઠરાવ 5 એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે. રાજ્યના તમામ સરકારી વિભાગો, બોર્ડ, કમિશન અને કચેરીઓને આ અંગે તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.
નાણાં વિભાગે જણાવ્યું કે, “ફિક્સ પગાર કર્મચારીઓ પણ સરકારી તંત્રના મહત્વના અંગ છે. તેમને યોગ્ય ભથ્થાં આપવા સરકારની જવાબદારી છે.” આ નિર્ણયથી સરકારી તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં નવો ઉત્સાહ જોવા મળશે.
ટૂંકમાં: નવા ભથ્થાં મુજબ
6થી 12 કલાકના રોકાણ માટે: ₹120 → ₹200
12 કલાકથી વધુ માટે: ₹240 → ₹400
આ ફેરફારથી હવે નાનાં વર્ગના કર્મચારીઓ પણ પોતાનું કાર્ય ગૌરવભેર અને આત્મવિશ્વાસથી કરી શકશે.