Teacher leave Cancelled : યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગનો કડક નિર્ણય: શિક્ષકો હેડક્વાર્ટર પર ફરજ પર રહેશે
Teacher leave Cancelled : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના સરહદી વિસ્તારોમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની સંવેદનશીલ સ્થિતિને જોઈ શિક્ષકોને હેડક્વાર્ટર છોડવા નહીં દેવા સાથે ફરજ પર હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ પહેલાં આરોગ્ય, પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓની રજાઓ રદ કરાઈ હતી, હવે શિક્ષકોની પણ તમામ રજાઓ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરહદી જિલ્લાઓમાં શિસ્ત અને હાજરી સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસ પર સમયબંધ પ્રતિબંધ
બનાસકાંઠામાં સ્થાનિક વહીવટી તંત્રએ સવારે 7 વાગ્યા પહેલાં અને રાત્રે 8 વાગ્યા પછી ટ્યુશન ક્લાસો પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે સાથે નવો માણસ મજૂરી માટે રાખવો હોય તો તેની જાણકારી નજીકના પોલીસ મથકને આપવી ફરજિયાત રહેશે.
લોકજાગૃતિ અને અફવાઓથી બચવાનું આહવાન
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૂચવાયું છે કે લોકો ભયમાં ન આવે અને ખોટી માહિતીના આધારે દહેશતમાં ન રહે, તે માટે લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. નાગરિકોને સરકારના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી જ માહિતી લેવાની અપીલ કરાઈ છે. સાથે જ કોઈપણ શંકાસ્પદ ચળવળ, વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા તંત્રને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.