ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા. જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલાં પોલીસે અટકાયત કરતાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા.
પોલીસે અઢીસોથી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે. ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ સહાયક (9થી12) નું પીએમએલ અને ડીવી શિડ્યૂલ જાહેર કરવાનો સમાવેશ થાય છે. ધોરણ 1 થી 8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવાની માંગ છે.
આ ઉપરાંત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી પછી ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ઉમેરવાની માંગણી છે. ગત વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવા માંગ કરાઈ છે.
ઉમેદવારોની પાંચમી મુખ્ય માંગણી ઉનાળુ વેકેશન પહેલાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવાની છે.આ મુદ્દે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સ્વયં અંગત રસ લઈને અમલ કરાવે તેથી આંદોલનકારીઓની માંગણી છે.
ઉલ્લેખનીય છે કે 16મી જાન્યુઆરી 2025ના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જાહેર મંચ પરથી રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ‘24,700 ની અન્ય માધ્યમ સહિત ધોરણ 1 થી 12ની તમામ ભરતી પ્રક્રિયા એક મહિનામાં પારદર્શકતાથી પૂર્ણ કરી તમામને નિમણુક પત્રો એનાયત કરીશું.’ આ નિવેદનને આજે 40 દિવસ પૂર્ણ થયા છતાં પણ ભરતીના નામે મીંડું જ છે.
આંદોલનકારીઓ કહે છે કે, સમયસર ન્યાય ન મળે એ સૌથી મોટો અન્યાય છે. TET-TAT ના ઉમેદવારો આવા અન્યાયનો ભોગ બન્યા છીએ. અત્યાર સુધી એટલી રજૂઆતો કરવામાં આવી છે કે એક આખું પુસ્તક અરજીઓથી ભરાય તેમ છે. ઉમેદવારો શિક્ષક ભરતી માટે શક્ય તમામ પ્રયત્નો કરી ચૂક્યા છીએ. તેમ છતાં હજી સુધી કાયમી શિક્ષકોની બાબતે કોઈ નક્કર અને સમયબદ્ધ પગલાં ભરવામાં આવ્યા નથી.