કોંગ્રેસનો બોગસ લેટરપેડ ઉમેદવારોની યાદી જાહેર કરવાના કાવતરા અંગે અંતે કોંગ્રેસે આજે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહની સહી પણ આ યાદીમાં ખોટી હોવાનું તથા પક્ષને બદનામ કરવાનું ષડયંત્ર ઘડવાનું હોવાનો આરોપ પોલીસ ફરિયાદમાં કરાયો છે નોંધનીય છે કે ગત 19મીની રાત્રે સોસીયલ મીડિયા પર કોંગ્રેસના ઉમેદવારોની યાદી ફરતી થઇ હતી. ટૂંક જ સમયમાં કોંગ્રેસે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે આ યાદી બોગસ છે અને આ ખોટી યાદી બનાવનારા સામે અમે કાયદેસરના પગલાં લઈશુ
આંબાવાડી સરસ્વતીનગરમાં રહેતા બાલુભાઈ પટેલ એ આજે સાંજે સાયબર ક્રાઇમની ઓફિસ પહોંચી પોલીસ ફરિયાદ કરી હતી કે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ચૂંટણી સંકલન સમિતિના ચેરમેનનો હોદ્દો ધરાવે છે ગત 19મી એ રાત્રે 8 વાગ્યે કોંગ્રેસ ભવન પર હાજર હતા ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોષીએ તેમને જાણ કરી હતી કે પ્રદેશ પ્રમુખની બોગસ અને ખોટી સહીથી કોંગ્રેસના ચૂંટણી લડનારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે આ યાદીની તપાસ કરતા તેમાં 71 નામો જાહેર કરાયા હતા આ ઉમેદવારોનો કોંગ્રેસ પક્ષ તરફથી પસંદ કરવામાં આવ્યા છે તેવી જાહેરાત પણ કરાઈ હતી. આ અંગે તપાસ કરતા કોંગ્રેસનો લેટરપેડ પણ બોગસ હોવાનું ખુલ્યું હતું બાલુભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે ખરેખર આ પ્રકારની યાદી જાહેર કરવાની સત્તા દિલ્હીથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જનરલ સેક્રેટરીની જ હોય છે. જો કે ભરતસિંહની ખોટી સહી કરી પક્ષને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે. સાયબર ક્રાઇમે આ અંગે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. નોંધનીય છે કે જે તે સમયે જ આ યાદી ખોટી હોવાનું કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું હતું। ત્યારબાદ ચૂંટણી પંચને મુદ્દે પણ ફરિયાદ કરાઈ હતી.