ગોંડલના ઉમવાડા રોડ પર આવેલાં રામરાજ્ય મગફળીના ગોડાઉનમાં શંકાસ્પદ રીતે ભીષણ આગ લાગી હતી. ગોંડલ નગરપાલિકાના ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઇને આગને કાબૂમાં લીધી હતી.
આ મુદ્દે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશાં જ્યારે ભ્રષ્ટાચાર છાપરે ચઢીને એનું સ્વરૂપ પ્રકટ કરે ત્યારે તપાસના તરકટ કરીને હકીકતો છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે. તથ્યોથી દૂર ભાગવાની BJP પ્રયાસ કરી રહી છે. આ તમામ લોકોને ઓળખીને તેમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને વધુ ગોડાઉનોમાં આગ ન લાગે, એટલા માટે જે ગોડાઉનોની અંદર જથ્થો છે, તે ગુણવત્તા યુક્ત છે કે કેમ તેની ખરાઈ કરવા માટે એક-એક ગુણના કોથળાને ફરીથી ખોલવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, જે ગોડાઉનમાં આગ લાગી ત્યાં મોટી સંખ્યામાં મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી. જે સળગી જતાં કરોડો રૂપિયાના કૌભાંડને છૂપાવવા માટે પ્રયાસ થયો હોવાનું માનવામાં આવે છે. કચ્છમાં પણ આ રીતે મગફળીના સરકારી ગોડાઉનમાં આગ લાગી હતી અને કરોડો રૂપિયાની સરકારે ખરીદેલી મગફળી સળગી જતાં રાજનેતાઓ તરફ શંકા વ્યક્ત કરી હતી. આવું જ ગોંડલમાં થયું હોવાનું માનવામાં આવે છે. સરકારે ઉપલેટાના ધારાસભ્યને તપાસ સોંપીને આ અંગેનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવો જોઈએ એવી માંગણી પણ કરવામાં આવી રહી છે.
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ સંગ્રહ કરવામાં આવેલ પાક ની સુરક્ષા અંગે આવેદન ૨૦ તારીખે આપ્યું હતું અને કહ્યું હતું કે સંગ્રહ કરાયેલા અનાજ મગફળી ને કૌભાંડીઓ નુકશાન પહોચાડી શકે છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ, જામનગર, જામજોધપુર, કચ્છ જેવા વિસ્તારોમાં મગફળી ખરીદીમાં કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યા છે. જેમાં ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. ભાજપ સરકાર આરોપોમાંથી બહાર નીકળવા માગતી હોય તો સમગ્ર રાજ્યમાં જ્યાં પણ મગફળી ખરીદીમાં આરોપો મૂકવામાં આવ્યા છે તેની રાજ્ય વ્યાપી તપાસ સોંપવી જોઇએ. એવી માંગણી ઉઠવા પામી છે. ખાનગી વેપારીઓના ગોડાઉનમાં અબજો રૂપિયાની મગફળી હોવા છતાં એક પણ ગોડાઉનમાં આગ લાગી નથી તો સરકારી ગોડાઉનમાં જ આગ કેમ?
Monika rangani