ગુજરાતમાં પરમિટ ધરાવતી દુકાનો પર વેચવામાં આવતા દારૂ પર લગભગ ત્રણ ગણી એક્સાઈઝ ડ્યુટી વધાર્યા પછી રાજ્ય સરકાર નવી હેલ્થ લિકર પરમિટ આપવાનું અને જુની પરમિટને રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે.
20મી માર્ચના રોજ દારુબંધી યુનિટના ડિરેક્ટર દ્વારા જિલ્લા વ્યવસ્થાપકને ડિપાર્ટમેન્ટ ઓર્ડર મોકલીને હેલ્થ લિકર પરમિટ ઈશ્યુ અને રિન્યુ કરવાની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવે. પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટની રિવ્યુ મીટિંગમાં ભાગ લઈને પરમિટને રિન્યુ-ઈશ્યુ કરવા પર હંગામી ધોરણે પ્રતિબંધ મુકવાનો આદેશ આપનારા એડિશનલ ચીફ સેક્રેટરી એસ.એસ.ડાગુર જણાવે છે કે, સરકારને હેલ્થ લિકર પરમિટ ઈશ્યુ કરવાની સિસ્ટમ બાબતે અમુક ફરિયાદો મળી હતી. હેલ્થ લિકર પરમિટ માટે કોઈ યુનિફોર્મ પોલિસી અને ક્રાઈટેરિયા નહોતો. દરેક જિલ્લાનું તંત્ર અને ડોક્ટર્સ અલગ અલગ ક્રાઈટેરિયા ફોલો કરતા હતા. માટે અમે રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે મળીને એક યૂનિફોર્મ પોલિસી અમલમાં મુકીશું.
ડાગુરે આગળ જણાવ્યું કે, અમુક જિલ્લાઓમાં પરમિટની સંખ્યા ઘણી ઓછી છે જ્યારે અમુક હજારોની સંખ્યામાં છે. માટે અમે આ દરેક પરમિટને રિવ્યુ કરીશું. સરકાર દ્વારા ટુંક સમયમાં નવી પોલિસી નક્કી કરવામાં આવશે અને નવા ક્રાઈટેરિયા અનુસાર પરમિટ ઈશ્યુ કરવામાં આવશે. સરકાર હેલ્થ પરમિટના થતા દુરુપિયોગને અટકાવવા માંગે છે.