IMD રિપોર્ટ પ્રમાણે ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાવાઝોડું બપોર 12 વાગ્યા બાગ અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ હજુ 24 કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગત રાતથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
હજુ ભારે વરસાદની આગાહી
દીવના કલેક્ટરે જણાવ્યું હતું કે, હાલ ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. પરંતુ બપોર બાદ ગીર સોમનાથના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. હાલ વેરાવળના સમુદ્રમાં ભયાનક મોજાં ઉછળી રહ્યા છે જેને લઇને માછીમારોમાં ચિંતાનો વધારો થયો છે. કારણ કે વેરાવળ બંદર પર લંગારાયેલી બોટો ક્ષમતા કરતા વધારે હોય જો ભારે પવન સાથે વરસાદ આવશે તો માછીમારોને કરોડોનું નુકશાન થવાની શક્યતા છે.
આવતીકાલથી વરસાદમાં ઘટાડો થવાની શક્યતા: હવામાન વિભાગ
મહા વાવાઝોડું હવે ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. જે 12 કલાક પછી ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી વરસાદમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે.