ગુજરાતના શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરી માત્ર સાત વર્ષના ગાળામાં આ પદ્ધતિ નિષ્ફળ પૂરવાર થતાં ગુજરાત સરકારે તાજેતરમાં શાળાઓમાં દાખલ કરેલી સેમેસ્ટર સિસ્ટમ રદ કર્યા બાદ હવે કોલેજોમાં પણ આ સિસ્ટમ રદ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતના વર્ષો જૂના ઢાંચાને આધુનિકતા અને સરળતાનું નામ આપી સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવા માટેના મુખ્ય ભેજાબાજ તે સમયના શિક્ષણ સચિવ હસમુખ અઢિયા અને તે સમયના શિક્ષણ કમિશનર જ્યંતિ રવિ રહ્યાં હતાં. આ બન્ને અધિકારીઓના ભેજાની ઉપજથી શરૂ થયેલી સેમેસ્ટર પદ્ધતિ ગુજરાતમાં ફ્લોપ પૂરવાર થઇ છે. તેમાંથી હસમુખ અઢિયા હાલ કેન્દ્રના નાણા સચિવપદે છે અને દેશના અર્થતંત્રમાં GST લાગુ કરવામાં પણ અઢિયાની મુખ્ય ભૂમિકા રહી છે.
ગુજરાતમાં વર્ષોથી એક સરખો શિક્ષણનો ઢાંચો ચાલી રહ્યો હતો, ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ તમામ સ્તરે કરવામાં આવેલા સુધારાને ધ્યાનમાં રાખીને શિક્ષણમાં પણ સુધારા કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એપ્રિલ, 2008થી 2013 સુધી ગુજરાતના શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે રહી ચૂકેલા હસમુખ અઢિયા અને તે સમયના શિક્ષણ કમિશનર જ્યંતિ રવિએ સાથે મળીને રાજ્યના વિદ્યાર્થીઓની વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરીને ધોરણ 11-12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી હતી. આ સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરળતાના બદલે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી પર અસરો થવા લાગી હતી. રાજ્યના શિક્ષણ વિભાગે 2010માં કોલેજોમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કર્યા બાદ 2011માં શાળાઓમાં પણ સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરી દીધી હતી.