મળતી માહિતી મુજબ વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા કાલીબેલ ગ્રામ પંચાયતમાં હાલ વહીવટ દાર દ્વારા વિકાસ કામો માં ભારે ગોબચારી આચરાઈ રહ્યાની સ્થાનિકોમાં રાવ ઉઠી રહી છે. કાલીબેલ ગામ ના પોલીસ સ્ટેશનથી નવા ફળિયાને જોડતા માર્ગ સાઈડે લાખ્ખો રૂપિયાના ખર્ચે વરસાદી ગટરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.
અહીં ગટર ના બાંધકામ માં ઇજારદાર દ્વારા માટી યુક્ત ભાઠું તેમજ સળિયાનો નહિવત ઉપયોગ કરી ભ્રષ્ટાચાર ને અંજામ અપાઇ રહ્યો છે. તેમજ માસ્ક કોન્ક્રીટ ને બદલે મોટા પથ્થરો ગોઠવી નિમ્નકક્ષાનું કામ કરી વેઠ ઉતારવામાં આવતું હોવાનું ગામના જાગૃત આગેવાન સુભાષભાઈ એ જણાવ્યું હતું.
ગામડાના પાયાની સુવિધાઓ માટે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ નો સદુપયોગ કરવાને બદલે તલાટી કમ મંત્રી અને તાલુકા મદદનીશ એસ ઓ ની મીલીભગતમાં સમગ્ર કામમાં ગેરરીતિ આચરી રહ્યા છે. કેમકે હાલ ગ્રામ પંચાયત નું વિભાજન થવાથી સરપંચ ની ચૂંટણી ન થતા હાલ કાલીબેલ ગ્રામ પંચાયત વહીવટદાર દ્વારા ચલાવાય રહ્યું છે. જેમાં લાખ્ખો રૂપિયા ના વિકાસ કામમાં કોઈ સરકારી સુપરવિઝન પણ ન હોય વહીવતદારો ને ભ્રષ્ટાચાર કરવા મોકળું મેદાન મળી રહ્યું છે.
તેવામાં સમગ્ર બાબતે કાલીબેલના જાગૃત આગેવાન સુભાષભાઈ દ્વારા ગટર ના બાંધકામ ની ગુણવત્તા માટે વિજિલન્સ તપાસની માંગ સાથે લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.