ગુજરાત વિધાનસભામાં ભાજપે બહુમતીને જોરે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત – સુધારા – વિધેયક બહુમતીથી આજે પાસ કરાવી લીધું છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએ કહ્યું હતું કે વિપક્ષો ભલે વિરોધ કરતાં રહે, અમે આ કાયદો પસાર કરાવી જ લઈશું. બળાત્કાર કરનારાઓને કે પછી વ્યાજ વટાવના ધંધા કરનારા શાહુકારોને કારણે વ્યાજે પૈસા લેનારને આપઘાત કરવો પડે તે સ્થિતિ અમે નિભાવી લેઈશું નહિ.
બળાત્કારીઓ અને શાહુકારો સામે રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણય
સાયબર ક્રાઈમ કરનારાઓ દ્વારા સામાન્ય વ્યક્તિના બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉસેડી લેવાની ચાલતી પ્રવૃત્તિ અમે ચલાવવા માગતા નથી. તેમ જ નાની અને માસૂમ છોકરીઓ પર બળાત્કાર કરનારાઓને સહન કરી લેવા માગતા નથી. તેથી અમે આ કાયદો પસાર કરાવવા મક્કમ છીએ, એમ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએ આજ ગુજરાત વિધાન સભામાં ખરડાનો વિરોધ કરનારાઓને જવાબ આપતા જણાવ્યું હતું. જાતિય ગુના સંદર્ભે પોક્સો સહિતના કાયદા હેઠળ ગુનો કરવા વાળા સામે પાસાની કાર્યવાહી થઈ શકશે. ગુજરાતમાં અસામજિક પ્રવૃત્તિ બેફામ-બેરોકટોક ચાલતી હોવાનો આક્ષેપ કરતાં પૂંજાભાઈ વંશે કહ્યું હતું કે ગુજરાતમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પોલીસ અને અધિક્રીઓની સાંઠગોંઠ વિના શક્ય જ નથી. આ કાયદામાં ગુનેગારને જામીન ન મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે તે યોગ્ય છે, પરંતુ ગુજરાતમાં સરકાર ઇચ્છે તેને જામીન મળી જાય છે તે ઉચિત નથી.
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએ આજ ગુજરાત વિધાન સભામાં ખરડાનો વિરોધ કરનારાઓને જવાબ આપતા જણાવ્યું
જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કાયદાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે વ્યાજખોરો મહિને 5થી 25 ટકા વ્યાજ લેચે. પૈસા ઉછીના લેનારાઓ પૈસા ચૂકવી દે છતાંય તેમને પૈસા ચૂકવવા ધાકધમકી આપવામાં આવે છે. અપહરણ કરવામાં આવે છે. માર મારવા કે મારી નાખવાની ધમકીઓ તેને અને તેના પરિવારના સભ્યોને આપવામાં આવે છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રૂા. 20 લાખ લઈને રૂા.1 કરોડ ચૂકવી દીધા પછીય શાહુકારો તરફથી તેમને ધાકધમકી અને ત્રાસ આપવામાં આવતો હોવાથી વેપારીને આપઘાત કરવાની ફરજ પડે છે. વ્યાજખોરોના ત્રાસથી લોકો આપઘાત કરે છે.પરંતુ પોલીસ દ્વારા તેમની સામેની ફરિયાદમાં કાર્યવાહી જ કરવામાં આવતી ન હોવાથી આ કાયદાને નામે કેટલાક ગુનાઓ માટે પાસાની જોગવાઈ લાગુ કરવાનો આ કાયદામાં પ્રબંધ કરવામાં આવી રહ્યો હોવાથી પોલીસ દ્વારા તેનો દુરૂપયોગ થવાની શક્યતા વધી જવાની સંભાવના છે.
પાસાને નામે પોલીસ સામાન્ય માનવને ડરાવવા માટે તેનો ઉપયોગ કરશે. પોલીસ અધિકારીઓએ આરોપીઓ પાસે લાખો કરોડો પડાવ્યા હોવાના કિસ્સાઓ ભૂતકાળમાં પણ બહાર આવ્યા છે. આ ગુનેગારો સહિત નાની છોકરીઓ પર બળાત્કાર કરનારાઓ સામે પગલાં લેવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાથી પાસાની જોગવાઈને નામે લોકોને ડરાવવા અને પોતાના રાજકીય વિરોધીઓનો હિસાબ પૂરો કરવા માટે પણ આ જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ ેતવી સંભાવના છે.દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે વ્યાજ વસૂલીનો ગેરકાયદે વ્યવસાય કરનારા, જુગારના અડ્ડાના સંચાલકો સામે, જાતિય સતાવણીના ગંભીર અપરાધ કરનારાઓ સામે તથા સાયબર ક્રાઈમ કરનારાઓ સામે આ કાયદાનો ઉપયોગ સરકાર કરવા માગે છે. સમગ્ર રાજ્યમાં પોલીસના રક્ષણ કે રહેમનજર હેઠળ જ ચાલતી અસામાજકિ પ્રવૃત્તિઓ કરનારા સામે પાસાનો અમલ કરવામાં આવે ત્યારે પોલીસ આંખ આડા કાન કરે છે. આ પોલીસની જવાબદારી નક્કી કરી ને તેમની પાસે પગલાં લેવામાં આવશે કે કેમ તેવો સવાલ ઊઠાવવામાં આવ્યો હતો. વ્યાજ વટાવના ધંધામાં પડેલી ખાનગી કંપનીઓ ગુંડાઓ રાખે છે અને આમઆદમી આ ગુંડાઓની દાદાગીરીનો શિકાર બને છે.