Tragic Incident In Purna River Of Navsari : નવસારી: પૂર્ણા નદીમાં ગર્ભવતી ભાભીને બચાવવા કૂદેલા દિયરનું દુખદ મોત, 5 ડૂબ્યા, 2નાં જીવ ગયા
Tragic Incident In Purna River Of Navsari : નવસારી જિલ્લાના ધરાગીરી ગામ પાસે આવેલ પૂર્ણા નદીમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે. જ્યાં એક ભાભીને બચાવવા કૂદેલો દિયર પોતાનો જીવ ગુમાવી બેઠો છે. નદીમાં ડૂબેલી પાંચ વ્યક્તિઓમાંથી ત્રણ મહિલાઓને બચાવવામાં સફળતા મળી છે, જ્યારે એક ગર્ભવતી મહિલા અને યુવકનો દુર્ભાગ્યપૂર્ણ અંત આવ્યો છે.
ઘટના કઈ રીતે બની?
ધારાગીરી ગામ પાસે પૂરપાટ વહેતી પૂર્ણા નદીના કાંઠે ચાર મહિલાઓ કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલા પાણીમાં ફસાઈ ગઇ. તેનો બચાવ કરવા પાછળથી બીજી ત્રણ મહિલાઓ પણ નદીમાં ઊતરી હતી, પરંતુ તરવા અસમર્થ હોવાથી ચારેય ડૂબી ગઇ હતી.
દિયરે જોખમ ઉઠાવ્યું, પણ પોતે ડૂબી ગયો
જ્યારે ગામના એક યુવકે ભાભી અને અન્ય મહિલાઓને બચાવવાનો પ્રયત્ન કર્યો અને તરત નદીમાં ઝંપલાવ્યું. દુર્ભાગ્યે, નદીના તેજ પ્રવાહમાં તે પોતે ફસાઈ ગયો અને ગુમ થઇ ગયો. પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક માછીમારોની સહાયથી થોડા કલાકોની શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો.
માછીમારોએ બતાવી માનવતા, બચાવ્યા ત્રણના જીવ
નદી પાસે માછલી પકડતા કેટલાક માછીમારોએ તાત્કાલિક જાળ ફેંકી અને ત્રણ મહિલાઓને બચાવવામાં સફળતા મેળવી. જ્યારે એક મહિલાનો મૃતદેહ ઘટના સ્થળે જ મળી આવ્યો ..બંને મૃતદેહોને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, મૃતક યુવક અને મહિલા દિયર-ભાભી હતા. મૃતક મહિલાની ગર્ભાવસ્થા પણ સામે આવી છે, જેને કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘટનાની વિગતો જાણી સ્થાનિકો દ્રવિત થઇ ગયા હતા.