Transplantation Conference 2025 : અસારવા સિવિલમાં CM ભૂપેન્દ્ર પટેલે સર્જિકલ રોબોટનું કર્યું લોકાર્પણ, આધુનિક તબીબી સેવાનો ઉમેરો!
CM ભૂપેન્દ્ર પટેલે અસારવા સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સર્જિકલ રોબોટનું લોકાર્પણ કર્યું
ગુજરાત મેડિકલ ટૂરિઝમમાં વિકાસ કરી રહ્યું છે, સરકાર આધુનિક તબીબી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપશે
અમદાવાદ, શનિવાર
Transplantation Conference 2025 : અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-2025 નું ઉદ્ઘાટન કર્યું. તેમણે પ્રત્યારોપણ માટેના અદ્યતન સર્જિકલ રોબોટ નું લોકાર્પણ કરી ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે એક નવી સિદ્ધિ સર્જી. આ પ્રસંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રત્યારોપણ અને આયુર્વેદ વચ્ચેના સંબંધ વિશે વાત કરતાં, હિંદુ પુરાણોમાં ઉલ્લેખિત ગણેશજીના પ્રત્યારોપણ કથા નું ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે આજની આધુનિક તબીબી ટેક્નોલોજી હમણા જ વિકસતી નથી, તે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ હાજર હતી, અને હવે તેને નવી ટેક્નોલોજી સાથે આગળ વધારવાનો સમય છે.
ગુજરાત મેડિકલ ટૂરિઝમમાં આગળ વધી રહ્યું છે
મુખ્ય પ્રધાનની દ્રષ્ટિ મુજબ ગુજરાત મેડિકલ ટૂરિઝમમાં મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે, અને રાજ્ય સરકારે આ ક્ષેત્રે વધુ નવા તકનીકી સુધારાઓ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે કહ્યું કે વિદેશી નાગરિકો ગુજરાત આવે અને અહીંની તબીબી સેવાઓમાંથી કંઈક શીખી જઈ શકે એ રાજ્ય માટે ગૌરવની વાત છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ
મુખ્ય પ્રધાને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રમાં ડૉ. એચ.એલ. ત્રિવેદીના યોગદાનને બિરદાવ્યું. તેમણે અંગદાન દ્વારા માણસનું જીવન બચાવવાની મહત્ત્વતા પર ભાર મુક્યો અને ટેકનોલોજીના વધતા પ્રભાવને જોતા રાજ્યમાં વધુ પ્રત્યારોપણ કેન્દ્રો ખોલવાની જરૂરીયાત વ્યક્ત કરી.
આગેવાનોને સન્માન
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રિમોટ કંટ્રોલ દ્વારા સર્જિકલ રોબોટનું લોકાર્પણ કર્યું. તેમજ ડૉ. રાકેશ જોશીને ઋષિ દધીચિ સન્માન અને ડૉ. ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
આ સાથે ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે નવતર અભિગમ અપનાવવા માટેનું એક વધુ પગથિયું પૂરું થયું, જે રાજ્યના નાગરિકો માટે વધુ સારી તબીબી સેવાઓ પ્રદાન કરશે.