Unseasonal rain : ભાભરમાં કમોસમી વીજળીનો કહેર, 2 ભેંસોના મોતથી પશુપાલક પર દુખનો પહાડ, પાકનો પણ નાશ
Unseasonal rain : બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કમોસમી વીજળીનો કહેર જોવા મળ્યો છે…. સતત બીજા દિવસે પડેલા કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડી હતી, જેના કારણે ભાભરના રૂણી ગામે દુઃખદ ઘટના બની છે. વીજળી પડતા ખેતરમાં બાંધેલી બે ભેંસોનું સ્થળ પર જ મોત થયું છે.
આ અકસ્માતથી પશુપાલન કરતા પરિવાર પર આર્થિક દબાણ ઊભું થયું છે. ભેંસોના મોતથી મોટું નુકસાન થયેલ છે, અને સાથે કમોસમી વરસાદના કારણે ખેતી પણ ભારે અસરગ્રસ્ત થઈ છે.
ભાભર, સુઈગામ અને લાખાણી પંથકમાં ભારે પવન સાથે પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધી દીધી છે. કેટલીક જગ્યાએ તો કરા સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે બાજરી અને બાગાયતી પાકને નુકસાન થવાની ગંભીર શક્યતા છે.
ભાભર માર્કેટ યાર્ડમાં પણ અનાજ પલળી ગયું છે, જેના વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર પલળી ગયેલું અનાજ હવે વેચાણ લાયક રહ્યું નથી.
લાખાણીમાં પણ વરસાદે અસર કરી છે. રસ્તાઓ પાણીથી ભરાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને રિક્ષા અને નાના વાહનોમાં પાણી ઘૂસી જતા ટ્રાફિકમાં અફરાતફરી જોવા મળી.
હવામાન વિભાગે અગાઉ જ કમોસમી વરસાદની ચેતવણી આપી હતી, જે સાચી પડી છે. હવે ખેડૂતો માટે પડકાર એ છે કે પાક બચાવવામાં કેવી રીતે સફળ થાય અને નિષ્ફળતાની સ્થિતિમાં નુકસાની કેવી રીતે ઓછું કરાય.