Vadodara Bridge Collapse મહિસાગર નદી પર પુલ ધરાશાયી, 18 લોકોના મોત, 2 ગુમ
Vadodara Bridge Collapse વડોદરાની પાદરા તાલુકાના ગંભીરા ગામ પાસે મહિસાગર નદી પરનો 40 વર્ષ જૂનો પુલ 9 જુલાઈની સવારે અચાનક ધરાશાયી થતા ભારે દુર્ઘટના સર્જાઈ હતી. પુલ પર પસાર થતાં વાહનો નદીમાં ખાબકી ગયા હતા. અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહ મળ્યા છે અને 2 લોકો હજુ ગુમ છે. બચાવ કામગીરીમાં NDRF અને SDRF સહિત 10થી વધુ ટીમો તહેનાત છે. નદીમાં વધેલા પાણીના કારણે રાતે શોધ કામગીરી અટકાવવામાં આવી હતી, જે 11 જુલાઈની સવારે ફરી શરૂ થઈ હતી.
પહેલેથી ચેતવણી મળેલી છતાં પગલાં ન લેવાતા દુર્ઘટના
આ દુર્ઘટનાને લઈને ચોંકાવનારી વાત એ છે કે પુલની ખરાબ સ્થિતિની ચેતવણી ત્રણ વર્ષ પહેલા આપવામાં આવી હતી. ‘યુવા સેના’ના લેખન દરબાર નામના સામાજિક કાર્યકરે માર્ગ અને મકાન વિભાગને પુલના સમારકામ અંગે વિનંતી કરી હતી. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારએ પણ પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી હતી, છતાં કોઇ મક્કમ પગલાં લેવામાં આવ્યા નહોતા.
મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી અને નિરીક્ષણના આદેશ આપ્યા
દુર્ઘટના પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા છે. જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન.એમ. નાયકવાલા, ડેપ્યુટી એન્જિનિયર યુ.સી. પટેલ અને આર.ટી. પટેલ તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર જેફી શાહનો સમાવેશ થાય છે. CM પટેલે તમામ પુલોની તાત્કાલિક ગુણવત્તા તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.
ઈજનેરનો દાવો: પુલ યોગ્ય હાલતમાં હતો
સસ્પેન્ડ થયેલા ઇજનેર નાયકવાલાએ દાવો કર્યો કે પુલમાં ગંભીર ખામી નહોતી અને ગઈ સાલ બેરિંગ કોટનું સમારકામ થયું હતું. તેમ છતાં, આ દાવાઓ સામે પૂર્વ ચેતવણીઓ અને ઘટનાની ગંભીરતા સરકારની કામગીરી પર સવાલ ઊભા કરે છે.
આ દુર્ઘટનાએ ફરીથી સતાવાર તંત્રની બેદરકારીને ઉઘારી છે. ત્યારે માત્ર નિરીક્ષણ નહિ, જવાબદારી નક્કી કરીને પગલાં લેવાં જરૂરી છે – જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.