Vadodara: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને હવે પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ટીકીટ પર સાસંદ તરીકે ચૂંટાયેલા વડોદરાના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ હાલમાં સરકારી જમીન પર કથિત દબાણને લઈ ચર્ચાસ્પદ બન્યા છે.યુસુફ પઠાણ પર વડોદરા કોર્પોરેશનની જમીન પર કથિત રીતે દબાણ કરવાનો આરોપ છે અને વડોદરા મહાનગરપાલિકાએ તેમને પ્લોટ ખાલી કરવા માટે નોટિસ પણ આપી છે. હવે યુસુફ પઠાણે આ મામલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાઈકોર્ટમાં જજ સંગીતા વિશનની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે.
યુસુફ પઠાણના વકીલે જણાવ્યું હતું કે, જમીન વડોદરા કોર્પોરેશનની જનરલ બોડી દ્વારા આપવામાં આવી છે,
તો પછી કેવી રીતે તેને ખાલી કરવાનું કહી શકે, આ જમીન વર્ષોથી યુસુફ પાસે છે, હવે અન્ય પક્ષના સાંસદ બન્યા બાદ જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. કોર્ટે રાજકારણને વચ્ચે લાવ્યા વિના યોગ્યતાના આધારે દલીલો કરવાનું કહ્યું છે. આ અંગેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. યુસુફના કેસમાં આવતીકાલે વડોદરા કોર્પોરેશનના વકીલ હાજર થશે.
જો કે હવે આ કેસમાં વધુ સુનાવણી આવતીકાલે મુલતવી રાખવામાં આવી છે
અને આવતીકાલે વડોદરા પાલિકાના વકીલ પણ હાજર થશે. તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના પ્લોટનો મામલો હાલ ચર્ચામાં છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, યુસુફ પઠાણે તે સમયે તેમના ઘરની બાજુમાં આવેલા પ્લોટની માંગણી કરી હતી.જે તે સમયે પ્લોટની જે કિમત થતી હતી તેના આધારે તે સમયની સ્થાયી સમિતિ અને સામાન્ય સભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં સરકાર દ્વારા આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હોવા છતાં આ પ્લોટ પર તેમનો કબજો રહ્યો હતો. જેથી વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી.