Valentine Day: પહેલાં મિત્રતા, પછી પ્રેમ: ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીની અનોખી લવ સ્ટોરી
ચુસ્ત જૈન પરિવારમાં જન્મેલા વિજયભાઈએ પોતાની જીવનસાથી અંજલીબહેન સાથે પ્રેમલગ્ન
કર્યા
જે તેમના જીવનનું એક મહત્વપૂર્ણ પ્રકરણ બની રહ્યું
Valentine Day : વેલેન્ટાઈન વીકના આ ખાસ દિવસે આજે આપણે ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલી એક સુંદર પ્રેમકહાની વિશે જાણીશું. આ કહાની ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની પત્ની અંજલીબહેનની છે, જે મિત્રતાથી શરૂ થઈને લગ્ન સુધી પહોંચી હતી. જાણીએ કે તેઓ પહેલીવાર ક્યાં મળ્યા અને કોણે પહેલ કરી હતી.
વિજયભાઈ રૂપાણીનો જન્મ બર્મા (હાલના મ્યાંમાર)માં થયો હતો, પરંતુ તેમનું કર્મભૂમિ ગુજરાત બન્યું. 1960માં તેઓ પોતાના પરિવાર સાથે રાજકોટ આવ્યા અને આ શહેર તેમનું કાયમી ઘર બની ગયું. ચુસ્ત જૈન પરિવારમાં જન્મેલા વિજયભાઈએ પોતાની જીવનસાથી અંજલીબહેન સાથે પ્રેમલગ્ન કરી, જે તેમના જીવનનું એક મહત્વપૂર્ણ પ્રકરણ બની રહ્યું.
1970ના દાયકાની વાત છે. જનસંઘના પ્રચારક તરીકે વિજયભાઈ અવારનવાર અમદાવાદ જતા, જ્યાં તેમની મુલાકાત અંજલીબહેન સાથે થઈ. તે સમયે એવી રિવાજ હતો કે પ્રચારકોએ મુખ્ય કાર્યકરના ઘરે જમવાનું હોય. અંજલીબહેનના પિતા સંઘના જૂના અને મુખ્ય પ્રચારક હતા, જેના કારણે વિજયભાઈને તેમના ઘરે જવાનું થતું.
આ મુલાકાતો દરમિયાન બંને વચ્ચે મિત્રતા વિકસી, જે ધીરે ધીરે પ્રેમમાં પરિણમી. અંજલીબહેનના શબ્દોમાં, “જ્યારે બંને જણ સહમત હોય, ત્યારે પ્રેમલગ્નને એરેન્જ-લવ મેરેજનું બિરુદ મળે છે. અને આવું જ અમારી સાથે થયું હતું.” બંનેએ પરિવારની સંમતિથી લગ્ન કર્યા.
લગ્ન બાદ તેમને એક પુત્ર પુજિતનો જન્મ થયો. પરંતુ માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે અમદાવાદમાં એક દુર્ઘટનામાં પુજિતનું અકાળે અવસાન થયું. આ દુ:ખદ ઘટના બાદ વિજયભાઈએ પુત્રની યાદમાં શ્રી પુજિત મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી, જે આજે રાજકોટમાં જરૂરિયાતમંદ બાળકો અને લોકોની સેવામાં સક્રિય છે.
આજે વિજયભાઈ અને અંજલીબહેનના પરિવારમાં એક પુત્ર રૂષભ છે, જે અમેરિકામાં સ્થાયી છે, અને એક પુત્રી છે જે બ્રિટનમાં વસે છે. રાજકારણમાં સક્રિય હોવા છતાં, વિજયભાઈએ પોતાની પ્રેમકહાની વિશે ક્યારેય ખુલ્લેઆમ વાત નથી કરી, પરંતુ તેમનું જીવન દર્શાવે છે કે સાચો પ્રેમ મિત્રતાની મજબૂત નીંવ પર જ ટકી રહે છે.