Valsad: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વલસાડના ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા મોંઘાભાઈ હોલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,
Valsad મુખ્ય મેહમાન તરીકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પ વલસાડ રક્તદાન કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, પારડી બ્લડ બેંક, ધરમપુર શ્રીમદ રાજચંદ્ર બ્લડ સેન્ટર, વાપી લાયન્સ ક્લબ બ્લડ બેંકના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. જેમાં એક જ દિવસમાં સૌથી વધુ ૧૨૦૧ યુનિટ બ્લડ બેગ એકત્ર થઈ
હતી. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી લોકોમાં પર્યાવરણ વિષય જાગૃતિ ભાવના માટે ‘‘ગ્રીન વલસાડ’’ની થીમ રાખી હતી જેમાં વૃક્ષનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તે વિવિધ રૂપે બતાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત રક્તદાતાઓને છોડ આપવામાં આવ્યા હતા.
જીવનના દરેક તબકકામાં જન્મ થી મરણ સુધી આપણે જ્યાં જ્યાં લાકડાનો વપરાશ કરતા હોય
તે પ્રદર્શની રૂપે બતાવવામાં આવી હતી. ચક્લીઓના સંવર્ધન માટે દરેક રક્તદાતાઓને વલ્લભઆશ્રમ તરફથી ચકલી ઘર અને દાતાઓના સહયોગથી પ્રોત્સાહન માટે ઉપહાર આપવામાં આવ્યા હતા.
ઉમિયા ગ્રુપના મેમ્બર સ્વ.નિલેશભાઈ માકડીયાને યાદ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ ઉપરાંત દિવ્યાંગ બાળકો દ્વારા રાખડીનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું. લોકોને ચક્ષુદાન, દેહદાન, અંગદાન વિષયની જાણકારી આપી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આફક્ત બ્લડ ડોનેશન કેમ્પ જ નહીં, પરંતુ રક્તદાન ઉત્સવની ઉજવણી હતી. વધુ માં વધુ રક્તદાતાએ જોડાઈને ઐતિહાસિક રક્તદાન ઉત્સવ ઉજવ્યો એ બદલ ઉમિયા ગ્રુપના કેપ્ટન અશોક પટેલે સર્વેનો આભાર માન્યો હતો.