Valsad board exams: વલસાડ બોર્ડની પરીક્ષા માટે ફુલ તૈયારી! 49,849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, CCTVથી વર્ગખંડ સજ્જ
આ વર્ષે જિલ્લામાં કુલ 49,849 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં SSCના 30,825, HSC સામાન્ય પ્રવાહના 13,281 અને વિજ્ઞાન પ્રવાહના 5,743 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય
152 શાળાઓના 1,794 વર્ગખંડોમાં CCTV કેમેરાની સુવિધા સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી
વલસાડ , ગુરુવાર
Valsad board exams : વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે જિલ્લામાં કુલ 49,849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં SSCના 30,825, HSC સામાન્ય પ્રવાહના 13,281 અને વિજ્ઞાન પ્રવાહના 5,743 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પરીક્ષાઓ માટે 55 કેન્દ્રો પર 152 શાળાઓના 1,794 વર્ગખંડોમાં CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. SSCની પરીક્ષા 32 કેન્દ્રો પર 89 શાળાઓના 1,073 વર્ગખંડોમાં, HSC સામાન્ય પ્રવાહની પરીક્ષા 15 કેન્દ્રો પર 39 શાળાઓના 429 વર્ગખંડોમાં અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 8 કેન્દ્રો પર 24 શાળાઓના 292 વર્ગખંડોમાં યોજાશે.
બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં SSCની પરીક્ષા સવારે 10:30થી 1:45 સુધી અને HSCની પરીક્ષા બપોરે 3:00થી 6:15 સુધી લેવામાં આવશે. આ વર્ષે ઉમરગામના વિદ્યાર્થીઓ માટે નવું પરીક્ષા કેન્દ્ર ઉમેરવામાં આવ્યું છે, જેથી તેમને લાંબી મુસાફરી ન કરવી પડે.
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ બોર્ડની પરીક્ષાનું સંચાલન કરશે. રાજ્ય પરીક્ષા સમિતિના આદેશ મુજબ તમામ નિયમો અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.