— હાલ પુસ્તકાલયમાં ૪૪૨૮૬ પુસ્તકો છે જેમાં નવા ૩૫૦૦નો ઉમેરો થતા ૪૭૭૮૬ પુસ્તકોનો વાંચકોને લાભ મળશે
— UPSC,GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ સવલતો ઉપલબ્ધ
વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વલસાડ જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે, ત્યારે તા. ૧૪ ઓગસ્ટના રોજ વલસાડના તિથલ રોડ પર કલેકટર બંગલાની સામે બેંક ઓફ બરોડાની પાછળના ભાગે રૂ. ૧.૪૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા જિલ્લા સરકારી પુસ્તકાલયનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે.
વલસાડ જિલ્લા સરકારી પુસ્તકાલય ખાનગી મકાનમાં કાર્યરત હતું. સરકારી જમીન ફાળવતા વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટમાંથી કુલ રૂ. ૧.૪૪ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાસભર પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર ભવનનું નિર્માણ કરાયું છે.
આ લોકાર્પણ અવસરે મુખ્યમંત્રીશ્રી તસાથે રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સંસદસભ્ય ડો.કે.સી.પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ સરકારી પુસ્તકાલય અંગે માહિતી આપતા મદદનીશ ગ્રંથાલય નિયામક આર.પી.પટેલે જણાવ્યું કે, આ પુસ્તકાલયમાં ધાર્મિક, સામાજિક, સાહિત્ય, નોવેલ, નિબંધ, તત્વજ્ઞાન અને ખાસ કરીને સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઉપલબ્ધ કરાયા છે. યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે અલગથી વાંચનાલય બનાવ્યું છે.આ સિવાય દર મહિને યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા પાસ કરી હોય તેવા આઈએએસ-આઈપીએસ દ્વારા માર્ગદર્શન આપતા અને પ્રેરણા મળે તેવા વીડિયો લેકચર બતાવવાનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તે માટે સ્ટુડન્ટ કોર્નર પણ બનાવાશે. નીચે ગ્રાઉન્ડ ફલોર પર ૧૦૦ લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવી વાંચનાલય છે અને ઉપર પહેલા માળે ગ્રંથ ભંડાર છે. જ્યાં રેફરન્સ બુકની સ્ટડી કરી શકાશે. ગરીબ વર્ગના બાળકો પુસ્તકો ખરીદી ન શકે તેમ હોય તો તેઓને આઈડી નંબર ઉપર બુક્સ વાંચવા મળશે. આગામી દિવસોમાં ઈ-લાઈબ્રેરીની સુવિધા પણ ઉભી કરાશે.
જિલ્લા સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ લક્ષ્મીબેન પટેલે જણાવ્યું કે, આ નવી લાઈબ્રેરીમાં પાર્કિંગ અને શૌચાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે. હાલ લાઈબ્રેરીમાં ગુજરાતી ભાષાના ૧૬૬૭૪, હિંદીના ૧૫૮૮૧, અંગ્રેજી ભાષાના ૧૧૭૧૭ અને અન્ય ભાષાના ૧૪ પુસ્તકો છે. આ સિવાય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ ગ્રંથલાય, ગાંધીનગર દ્વારા નવા કુલ ૩૫૦૦ પુસ્તકો આપવામાં આવ્યા છે. આ જિલ્લા સરકારી પુસ્તકાલયમાં સ્ત્રી અને પુરુષ મળી ૧૩૩૦ અને ૪૨૨ બાળકો મળી કુલ ૧૭૫૨ સભાસદો છે. લોકાર્પણ બાદ જિલ્લા સરકારી પુસ્તકાલયનો વલસાડ જિલ્લાની જનતા વધુમાં વધુ લાભ લે એવો અનુરોધ છે
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube