Valsad: વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય રકતપિત્ત નિર્મુલન કાર્યક્ર્મ અંતર્ગત “રક્તપિત્ત દર્દી શોધ અભિયાન’’(લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન-LCDC) તા. ૧૦/૦૬/૨૦૨૪ થી તા. ૨૯/૦૬/૨૦૨૪ સુધીનો પ્રારંભ થયો છે. આ અભિયાનના સુચારૂ આયોજન અંગે તા.૦૭ જૂન ૨૦૨૪ના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની અધ્યક્ષતામાં જિલ્લા કોર્ડિનેશન કમિટિની બેઠક યોજાઈ હતી. અધ્યક્ષપદેથી આ અભિયાન સુવ્યવસ્થિત અને સુચારૂ રૂપે પાર પડે તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ વલસાડ જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો. જયશ્રી ચૌધરી દ્વારા રક્તપિત્ત રોગ અને રક્તપિત્ત દર્દી શોધ અભિયાન વિશે જરૂરી જાણકારી આપવામાં આવી હતી.
આ અભિયાન ૧૪ દિવસ સુધી જિલ્લા, તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ચલાવવામાં આવશે. જે અંતર્ગત ક્ષેત્રિય કક્ષાએ હાઉસ ટુ હાઉસ ઝુંબેશ હાથ ધરી તપાસ માટે રચાયેલી ટીમ ઘરે ઘરે જઈ ઘરના તમામ સભ્યોની તપાસ કરી નવા દર્દીઓને શોધવાની કામગીરી કરશે. તપાસ કરાયેલા ઘરોને માર્કિંગ કરવામાં આવશે. કેસ કન્ફર્મેશન માટે શંકાસ્પદ વ્યક્તિને દૈનિક રીફર સ્લીપ દ્વારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવવામાં આવશે. જ્યાં તબીબી અધિકારીઓ દ્વારા તમામ દૈનિક શંકાસ્પદનું નિદાન કરશે.
રકતપિત્ત જીવાણુઓથી થતો રોગ છે અને આધુનિક સારવાર એમડીટી થી સંપૂર્ણ મટી શકે છે. વહેલુ નિદાન, નિયમિત, સમયસરની પુરતા સમયની સારવારથી રકતપિત્ત સંપૂર્ણ મટી શકે છે અને વિકૃતિ અટકાવી શકાય છે. રકત્તપિત્ત રોગના ચિન્હો- લક્ષણો જોઈએ તો (૧) શરીર પર આછુ, ઝાંખુ, રતાશ પડતુ બહેરાશવાળુ ચાંઠુ અને (૨) જ્ઞાનતંતુઓ જાડા થાય તેમજ તેમાં દુખાવો પણ થઇ શકે છે. ઉપરોક્ત્ત ચિન્હો-લક્ષણો જણાય તો આપના ઘરે આવનાર આરોગ્ય કર્મચારી પાસે ચામડીની તપાસ અવશ્ય કરાવવી જોઈએ. રકતપિત્તનું નિદાન તથા સારવાર દરેક સરકારી દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિના મુલ્યે કરવામાં આવે છે. વલસાડ જિલ્લા રક્તપિત્ત કચેરી કંટ્રોલ રૂન નં -૦૨૬૩૨-૨૪૩૭૧૦ ઉપર સંપર્ક કરી વધુ માહિતી અને માર્ગદર્શન મેળવી શકાય છે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કિરણ પટેલ, સમાજ કલ્યાણ અધિકારી એમ. વાય. થુથીવાલા, જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી પંકજ પટેલ, જિલ્લા આશા કોર્ડિનેટર વિજયભાઈ રાવત, જિલ્લા રોગચાળા અધિકારી ડૉ. મનોજ પટેલ અને ડીએનએમઓ ડો. સંજયકુમાર સિંહા ઉપસ્થિત રહ્યા હતા.